એક યુઝરે પોતાનો અનુભવ વર્ણવતાં સોશ્યલ મીડિયામાં કહ્યું
પ્રતીકાત્મક તસવીર
તમે જે ઑફિસમાં કામ કરતા હો અને ત્યાંની લિફ્ટમાં ફસાઈ જાઓ અને પછી ઑફિસમાં મોડા આવવા બદલ તમારી સૅલેરી કાપવાની ધમકી મળે તો શું કરો? આવી જ ઘટના સોશ્યલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચડી છે. એક યુઝરે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે ‘મારી ઑફિસની લિફ્ટ ગઈ કાલે અધવચ્ચે અટકી ગઈ હતી એટલે ઑફિસના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને ફોન કર્યો. ઘણી જહેમત બાદ એચઆરને ફોન લાગ્યો અને એણે એક માણસને મોકલ્યો. અંદાજે ત્રણ કલાક બાદ લિફ્ટમાંથી હું બહાર નીકળ્યો. ઑફિસમાં પન્ચિંગ કરતાં મને લેટ-માર્ક આપવામાં આવ્યો અને સૅલેરી કટ થશે એવું એચઆર દ્વારા જણાવવામાં આવ્યું. એટલે મેં ઘરે જવાનું નક્કી કર્યું, પણ મારા બૉસે સ્ટાફ ઓછો હોવાને કારણે મને રોકાવા જણાવ્યું. મેં દલીલ કરી તો મને ધમકી આપવામાં આવી કે મારા અપ્રેઇઝલ વખતે આને યાદ રાખવામાં આવશે. સમગ્ર ઘટનાથી મારા મનમાં હવે કંપની પ્રત્યે કોઈ આદર નથી રહ્યો.’
આ ઘટના વિશે પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું કે ‘જો ગેરહાજર ગણવામાં આવે તો કામ કરાવવાનો કોઈ અર્થ નથી. ખરેખર તો કંપનીએ આવી અગવડ પડી એ બદલ વળતર આપવું જોઈએ.’


