ચીનની ટેક કંપનીની મહિલા અધિકારીએ પોતાના સંવેદનાવિહીન નિવેદન બદલ માફી માગી
પ્રતીકાત્મક તસવીર
ચીનની અગ્રણી ઇન્ટરનેટ કંપની બાઇડુનાં ટોચનાં એક મહિલા-અધિકારીએ તાજેતરમાં આપેલા નિવેદનથી આ દેશનું વર્કકલ્ચર ફરી ચર્ચામાં આવ્યું છે. બાઇડુનાં પબ્લિક રિલેશન્સ અધિકારી ક્યુ જિંગે પોતાના વિડિયોમાં એવું જણાવ્યું હતું કે તે પોતાના કર્મચારીઓ સાથે ફક્ત કામથી કામ રાખે છે અને તે કંઈ તેમની મમ્મી નથી કે તેમની ચિંતા કરે, કંપનીમાં તેની નીચે કામ કરતા લોકો સાથે તેનો માત્ર એમ્પ્લૉયર-એમ્પ્લૉઈનો સંબંધ છે. ક્યુ જિંગને સાંભળ્યા બાદ ઘણા લોકોએ તેને સંવેદનાવિહીન મહિલા ગણાવી હતી. જોકે તેણે પછી માફી માગતાં જણાવ્યું હતું કે આ વિચારો તેના પોતાના છે અને વિડિયો પોસ્ટ કરતાં પહેલાં તેણે કંપનીની મંજૂરી લીધી નહોતી. ૨૦૧૯માં ઈ-કૉમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર જૅક માને પણ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેમણે દિવસના ૧૨ કલાક કામ કરવા પર ભાર મૂક્યો હતો.

