કૂવામાં અચાનક પડી ગયેલી ૪૮ વર્ષની મહિલાને ખૂબ મહેનત બાદ જીવતી બચાવી લેવાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
ચીનના એક વર્તમાનપત્રમાં છપાયેલા રિપોર્ટ મુજબ ચીનના ફુજિયાન પ્રાંતમાં એક જૂના અવાવરું કૂવામાં અચાનક પડી ગયેલી ૪૮ વર્ષની મહિલાને ખૂબ મહેનત બાદ જીવતી બચાવી લેવાઈ હતી. તે લગભગ ૫૪ કલાક સુધી કૂવામાં દીવાલને ચીપકીને બચી રહી હતી. વાત એમ હતી કે ૧૩ સપ્ટેમ્બરની સાંજે અંધારું થઈ ગયા પછી તે જંગલમાં ટહેલી રહી હતી ત્યારે અચાનક બૅલૅન્સ ગુમાવીને કૂવામાં પડી ગઈ હતી. એ કૂવો અવાવરું હતો એટલે પાણીમાં ઘણા સાપ હતા. એ સાપથી બચવા માટે તેણે પાણીમાંથી નીકળીને કૂવાની દીવાલ પરના ખાંચામાં હાથ-પગ ભરાવીને લટકવાની કોશિશ કરી હતી. મોડી રાત સુધી મહિલા ઘરે પાછી ન ફરતાં તેના પરિવારજનોએ પોલીસમાં તેની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. થર્મલ ઇમેજિંગ ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરતાં પોલીસને તે જંગલમાં કૂવામાં પડી હોવાની ખબર પડી હતી. છેક ૧૫ સપ્ટેમ્બરે રેસ્ક્યુ ટીમને તેની જગ્યાની ખબર પડી હતી અને તેને કૂવામાંથી બહાર કાઢી ત્યાં સુધી તે કૂવાની દીવાલને ચીપકીને બેસી રહી હતી. તે ખોવાઈ અને પાછી કૂવામાંથી બહાર આવી એ વચ્ચે લગભગ ૫૪ કલાક વીતી ગયા હતા. બહાર આવ્યા પછી તેણે કહ્યું હતું કે ‘કૂવામાં સાપ પણ હતા એટલે એમનાથી બચવા માટે દીવાલમાં લાગેલા પથ્થરને પકડીને ચીપકી રહી હતી. ઘણી વાર એવું થઈ ગયેલું કે હવે હું નહીં બચી શકું. હાથ અને પગમાં છાલાં પડી ગયાં. એક સાપ કરડ્યો પણ ખરો, જોકે એ ઝેરીલો નહોતો એટલે બચી ગઈ.’
