Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૪ વર્ષની ઉંમરે ચામડી બનવા લાગી છે વૃક્ષની છાલ જેવી

૧૪ વર્ષની ઉંમરે ચામડી બનવા લાગી છે વૃક્ષની છાલ જેવી

Published : 30 May, 2026 02:32 PM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૨માં જન્મેલી જાગેશ્વરી જ્યારે માત્ર ત્રણ મહિનાની હતી ત્યારથી તેના પગની ત્વચા પર લાલાશ અને હલકી ખરબચડી ત્વચાનો ભરાવો થવા લાગ્યો હતો

૧૪ વર્ષની જાગેશ્વરી નામની છોકરી અત્યંત દુર્લભ બીમારીથી પીડાય છે

અજબ ગજબ

૧૪ વર્ષની જાગેશ્વરી નામની છોકરી અત્યંત દુર્લભ બીમારીથી પીડાય છે


છત્તીસગઢના દંતેવાડામાં એક અંતરિયાળ ગામમાં રહેતી ૧૪ વર્ષની જાગેશ્વરી નામની છોકરી અત્યંત દુર્લભ બીમારીથી પીડાય છે. આ બીમારીએ તેને જીવતેજીવ વૃક્ષ જેવી કડક કરી નાખી છે. તેને ઇચિયોસિસ હિસ્ટ્રિક્સ નામની સ્કિન-કન્ડિશન છે. આ બીમારીમાં શરીરની ત્વચા જાડી, કડક અને વૃક્ષની છાલ જેવી ખરબચડી થવા લાગે છે. ત્વચા કડક અને તરડાઈ જતી હોવાથી છોકરીને ઊભા થવામાં, બેસવામાં કે ચાલવામાં પણ ત્વચા પર ચીરા પડવા લાગે છે અને એ તેના માટે ભયંકર પીડાદાયક છે.

૨૦૧૨માં જન્મેલી જાગેશ્વરી જ્યારે માત્ર ત્રણ મહિનાની હતી ત્યારથી તેના પગની ત્વચા પર લાલાશ અને હલકી ખરબચડી ત્વચાનો ભરાવો થવા લાગ્યો હતો. તેનો પરિવાર બહુ ભણેલોગણેલો નથી એટલે ડૉક્ટર પાસે જવાને બદલે ભૂવાને બોલાવીને તંત્ર-મંત્ર કરાવ્યા, ઝાડફૂંક કરીને દેવીને બલિ પણ ચડાવ્યો. એમ છતાં પરિસ્થિતિમાં કોઈ ફરક ન પડ્યો. ઊલટાનું જેમ-જેમ દિવસો જતા ગયા, પરિસ્થિતિ વધુ વણસતી ગઈ. તેના પગ પરની સમસ્યા હાથ અને પીઠ પર પણ ફેલાવા લાગી. તેને જોઈને બાળકો ડરવા લાગતાં એટલે તેને કદી સ્કૂલમાં મોકલી નથી. હૉસ્પિટલ તેમના ગામથી ૨૦ કિલોમીટર દૂર છે. પહેલાં એ હૉસ્પિટલના પણ બહુ ચક્કર કાપ્યાં, પણ ડૉક્ટરો પાસે પણ આ સમસ્યાનો કોઈ તોડ નથી. હવે તેની ત્વચા પર લગભગ એક સેન્ટિમીટર જાડી ઝાડની છાલ જેવો થર જામી ગયો છે. ત્વચા ડ્રાય થઈ ગઈ હોવાથી ગરમીમાં તેને ભયંકર બળતરા અનુભવાય છે. બેસીને ઊઠતાં કે ઊઠીને બેસતાં પણ ત્વચા તરડાય છે. આ ચામડી પણ હવે વાસ મારવા લાગી છે. જાણે માંસ સડી રહ્યું હોય એવી વાસ તેના શરીરમાંથી સતત આવ્યા કરે છે. એને કારણે કોઈ તેને નજીક પણ નથી આવવા દેતું.  શરીરના જે ભાગની ત્વચા વધુ જાડી થઈ જાય એને છોકરી જાતે જ ખેંચીને જાણે બટાટો છોલતી હોય એમ છોલીને ફેંકી દે છે. એવા સમયે ત્વચા પર વધુ ઘા થઈ જાય છે અને એ પણ ધીમે-ધીમે જાડી ત્વચામાં ફેરવાઈ જાય છે. મેડિકલ રેકૉર્ડ્સ કહે છે કે ભારતમાં આ પ્રકારની ત્વચાની બીમારીનો આ એકમાત્ર કેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 02:32 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK