પ્રોફેસર સાહેબ પોતાની મહત્ત્વાકાંક્ષા બાબતે બહુ ગંભીર છે. તેમણે એક કંપનીને પોતાના ડીએનએ ચંદ્ર પર પહોંચાડવાનું કામ સોંપ્યું છે. સેલેસ્ટિયસ નામની કંપની ખરેખર આ પ્રકારનાં કામ જ કરે છે અને મૂન તરફની વનવે ટ્રીપ માટે ૧૨,૫૦૦ ડૉલર ચાર્જ કરશે
કેન ઓહમ
પહેલી નજરે ઘનચક્કર જેવી કહી શકાય એવી ઇચ્છા અમેરિકાના કેન્સસમાં રહેતા ૮૬ વર્ષના કેન ઓહમ નામના નિવૃત્ત ફિઝિક્સના પ્રોફેસરની છે. કોઈ પ્રેમી તો શું નાસા પણ ધારે તો બધાને ચંદ્ર પર લઈ જઈ શકે એમ નથી. એમ છતાં અમેરિકાના આ ભાઈ ઇચ્છે છે કે હું ભલે ચંદ્ર પર ન જઈ શકું, પરંતુ મારા ડીએનએ હું ચંદ્ર પર મોકલીશ, જેથી ત્યાંના એલિયન ભવિષ્યમાં જ્યારે પણ મારા ડીએનએ પ્રાપ્ત કરશે ત્યારે એમાંથી મારો ક્લોન બનાવશે અને એ રીતે હું ચંદ્ર પર ફરીથી જન્મ લઈશ. કેન ઓહમને ચંદ્ર પર જવાનું ઘેલું ઘણા સમયથી લાગેલું છે. તેમણે અવકાશયાત્રી બનવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ નાસાએ તેમની વિનંતીને નકારી કાઢી હતી, કારણ કે તેમની ઊંચાઈ વધુ હતી. પ્રોફેસર સાહેબ પોતાની મહત્ત્વાકાંક્ષા બાબતે બહુ ગંભીર છે. તેમણે એક કંપનીને પોતાના ડીએનએ ચંદ્ર પર પહોંચાડવાનું કામ સોંપ્યું છે. સેલેસ્ટિયસ નામની કંપની ખરેખર આ પ્રકારનાં કામ જ કરે છે અને મૂન તરફની વનવે ટ્રીપ માટે ૧૨,૫૦૦ ડૉલર ચાર્જ કરશે. આ આખા પ્રકરણમાં મજાની વાત એ છે કે જો ખરેખર કેન ઓહમના ડીએનએ ચંદ્ર પર પહોંચશે અને અમુક વર્ષ પછી જો ત્યાંના એલિયન ઓહમનો ક્લોન બનાવશે તો એક જણ કેન જેવો હશે અને તેનું ભેજું પણ કેન જેવું જ હશે એટલે એવી પૂરી શક્યતા છે કે કેનનો ક્લોન પણ એવી ઇચ્છા વ્યક્ત કરે કે મારા ડીએનએને હું પૃથ્વી પર મોકલું, જેથી ત્યાં મારો ક્લોન પેદા થાય. જો આમ બન્યું તો બ્રહ્માંડની એક મોટી લેણદેણ પૂરી થઈ જશે.

