તેના ડેઇલી ડાયટમાં પ્યૉર કોકા, ખૂબ ઊંચી માત્રામાં ફ્લેવોનોલ્સ ધરાવતું પીણું પીએ છે
બ્રાયન જૉન્સન
જુવાની પાછી મેળવવા મચી પડેલા અમેરિકન ઑન્ટ્રપ્રનર બ્રાયન જૉન્સને ખૂબ કડક ઍન્ટિ-એજિંગ રેજિમ અપનાવ્યો છે. પોતાના શરીરને વૃદ્ધ થતું અટકાવવા માટે તે રોજ ૧૦૦થી વધુ ગોળીઓ અને ન્યુટ્રિશનનાં ઇન્જેક્શન લે છે. સવારે સાડાચાર વાગ્યે ઊઠીને મશીન પર ચોક્કસ સમય સુધી એક્સરસાઇઝ કરે છે અને દિવસનું છેલ્લું ભોજન સવારે ૧૧ વાગ્યે કરી લે છે. આવા તો બીજા અનેક વિયર્ડ નિયમોનું બ્રાયન ખૂબ કડકાઈપૂર્વક પાલન કરે છે. આ ફિટનેસમંત્રને ફૉલો કરીને બ્રાયને શરીરની એજિંગ પ્રોસેસને ધીમી પાડી દીધી હોવાનો દાવો કર્યો છે. તેનો દાવો છે કે હવે તે વર્ષે ૭.૮ મહિના જ વૃદ્ધ થાય છે. મતલબ કે શરીરની વૃદ્ધ થવાની પ્રક્રિયા એટલી ધીમી પડી ગઈ છે કે દર ૧૯ મહિના પછી તેનું શરીર ૧૨ મહિના જેટલું વૃદ્ધ થાય છે. બ્રાયને એક વિડિયો શૅર કરીને કહ્યું છે કે ‘પહેલાં મેં કંપની અને પ્રોજેક્ટ બનાવ્યાં, હવે હું એવો માણસ બનવા માગું છું જેની વૃદ્ધ થવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોય. એ માટે ન્યુટ્રિશન મહત્ત્વની બાબત છે.’
તે દરરોજ શું ખાય છે એની પણ ઝલક આ વિડિયોમાં બતાવવામાં આવી છે. તેના ડેઇલી ડાયટમાં પ્યૉર કોકા, ખૂબ ઊંચી માત્રામાં ફ્લેવોનોલ્સ ધરાવતું પીણું પીએ છે. બ્રાયનનો દાવો માનીએ તો તેણે અત્યાર સુધી પોતાના શરીરને ૫.૧ વર્ષ નાનું બનાવી લીધું છે.

