આ વખતે ઇસરોને ગૌરવ અપાવનાર મહિલાનું નામ છે નિગાર શાજી. તેમણે આ સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું અને એની સફળતા સુનિશ્ચિત કરવા ૮ વર્ષ સુધી એના પર કામ કર્યું છે.
નિગાર શાજી
ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ આદિત્ય L1 મિશનને પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર ‘લેગ્રેન્જ પૉઇન્ટ વન’ પર સફળતાપૂર્વક પહોંચાડીને નવો ઇતિહાસ રચ્યો છે. આ અભિયાન સફળ થતાં ફરી એક વાર એક મહિલા વૈજ્ઞાનિક ચર્ચામાં આવ્યાં છે. આ વખતે ઇસરોને ગૌરવ અપાવનાર મહિલાનું નામ છે નિગાર શાજી. તેમણે આ સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું અને એની સફળતા સુનિશ્ચિત કરવા ૮ વર્ષ સુધી એના પર કામ કર્યું છે. હવે આ સફળતાની ખુશી તેમના હસતા ચહેરા પરથી જાણી શકાય છે.
નિગારનો જન્મ તામિલનાડુના તેનકાસી જિલ્લાના સેંગોટાઇમાં થયો હતો. તેમણે સેંગોટાઇમાંથી જ સ્કૂલનું શિક્ષણ લીધું હતું. બાદમાં મદુરાઈ કામરાજ યુનિવર્સિટી હેઠળની તિરુનેલવેલીની સરકારી એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ લીધો હતો. અહીંથી તેમણે ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી અને ત્યાર બાદ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, મેસરામાંથી ઇલેક્ટ્રૉનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.
ADVERTISEMENT
તેઓ ૧૯૮૭માં ઇસરોમાં જોડાયાં હતાં. આજે તેમની ઉંમર લગભગ ૫૯ વર્ષની છે. શરૂઆતમાં તેઓ આંધ્ર પ્રદેશ નજીક શ્રીહરિકોટા સ્પેસપોર્ટ પર કામ કરતાં હતાં. બાદમાં તેમને બૅન્ગલોરના યુ. આર. રાવ સૅટેલાઇટ સેન્ટર મોકલવામાં આવ્યા હતા. ઇસરોમાં રહીને તેઓ ઘણા મહત્ત્વના પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલાં હતાં. માહિતી અનુસાર આદિત્ય L1 પહેલાં તેઓ રિસોર્સ સેટ-2Aના અસોસિયેટ પ્રોજેક્ટનાં ડિરેક્ટર હતાં. આ ઉપરાંત તેઓ નીચલી ભ્રમણકક્ષા અને ગ્રહોના મિશન માટેના કાર્યક્રમના ડિરેક્ટર પણ છે.
તેમના ફૅમિલી બૅકગ્રાઉન્ડની વાત કરીએ તો તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા શેખ મીરા પણ ખેડૂત છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે ‘મારાં માતા-પિતા બન્નેએ મારા બાળપણમાં મને ખૂબ સપોર્ટ કર્યો હતો. તેમના સતત સપોર્ટને કારણે જ હું આટલી ઊંચાઈએ પહોંચી શકી છું.’ ઇસરોમાં તેમની સફળતાનું શ્રેય તેમના સિનિયર્સને આપે છે. તેમણે તાજેતરમાં કહ્યું કે ‘એક ટીમ લીડર હોવાને કારણે ઘણા લોકો મારા હાથ નીચે કામ કરે છે. હું પણ તેમને એ જ રીતે તૈયાર કરું છું જે રીતે મારા સિનિયરોએ મને તૈયાર કરી હતી.’


