તાજેતરમાં રેલ મંત્રાલયે આવાં કેટલાંક લૅન્ડસ્કેપ ટ્વિટર પર પોસ્ટ કર્યાં છે, જેમાં ટ્રેન પસાર થતી વેળા રમણીય દૃશ્યો જોવાં મળે છે

રણપત ધોધ પાસેથી પસાર થતી ટ્રેનની ક્લિપ વાઇરલ
દેશના વિવિધ વિસ્તારોને જોડતી અને દેશના અનેક ભાગોમાંથી પસાર થતી ટ્રેનો મુસાફરોને અદ્ભુત દૃશ્યોની યાદ અપાવતી હોય છે. તાજેતરમાં રેલ મંત્રાલયે આવાં કેટલાંક લૅન્ડસ્કેપ ટ્વિટર પર પોસ્ટ કર્યાં છે, જેમાં ટ્રેન પસાર થતી વેળા રમણીય દૃશ્યો જોવાં મળે છે.
આ ચિત્રોમાંનું એક છે મહારાષ્ટ્રના રણપત ધોધ નજીકથી પસાર થઈ રહેલી ટ્રેનનું દૃશ્ય, જેમાં લીલાંછમ વૃક્ષો વચ્ચેથી ઊંચા ખડક પરથી પડી રહેલા પાણીને નજર ભરીને જોતા હોઈએ એ સમયે ટ્રેન પસાર થતી જોઈ શકાય છે. અહીં કલ્પના કરવાની છે ટ્રેનની અંદર બેઠેલા મુસાફરોને જોવા મળતા મનોહર દૃશ્યની. વિડિયો-ક્લિપ સાથેની ક્લિપમાં લખ્યું છે, ‘મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં રત્નાગિરિ જિલ્લામાં ઉકાશી નજીક આવેલા રણપત ધોધ નજીકથી પસાર થઈ રહેલી ટ્રેનનું મનમોહક દૃશ્ય.’
જલશક્તિ મંત્રાલયે આ ક્લિપ શૅર કરીને એને ટ્રેકિંગ, કૅમ્પિંગ તથા પિકનિક માટે શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું છે. અત્યાર સુધી આ ક્લિપને ૧૭,૫૦૦ વ્યુઝ મળ્યા છે.