હરિયાણાની જનનાયક જનતા પાર્ટીના પ્રમુખ અજય સિંહ ચૌટાલાનું વિવાદાસ્પદ નિવેદન
અજય સિંહ ચૌટાલા
હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (JJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય સિંહ ચૌટાલાએ એક વિવાદાસ્પદ નિવેદન આપતાં વિવાદ થયો છે. અજય ચૌટાલાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. નેપાલ, બંગલાદેશ અને શ્રીલંકાનાં ઉદાહરણો આપીને તેઓ ભારતમાં પણ શાસકોનો પીછો કરવાનો અને માર મારવાનો સમય આવી ગયો છે એમ બોલી રહ્યા છે. અજય ચૌટાલા ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર છે.
અજય ચૌટાલાએ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં આયોજિત યુવા યોદ્ધા સંમેલનમાં સ્ટેજ પરથી કહ્યું હતું કે ‘ભારતના આ શાસકોને પણ તેમના સિંહાસન પરથી ખેંચીને રસ્તા પર દોડાવી-દોડાવીને મારવા પડશે. હવે સમય આવી ગયો છે કે ભારતમાં પણ શાસકોને તેમના સિંહાસન પરથી ખેંચી કાઢવા જોઈએ, શેરીઓમાં દોડાવવા જોઈએ અને માર મારવો જોઈએ. તેમને દેશ છોડવા માટે મજબૂર કરવા જોઈએ. બંગલાદેશ, નેપાલ અને શ્રીલંકા જેવાં આંદોલનો અહીં ચલાવવાં જોઈએ.’


