અગ્નિપથ યોજનાની વિરુદ્ધ આંદોલન વધુ ઉગ્ર અને હિંસક બન્યું, અનેક ટ્રેનો સળગાવાતાં રેલવ્યવહારને અસર
સિકંદરાબાદ રેલવે સ્ટેશન ખાતે ગઈ કાલે ટોળાએ વિરોધ-પ્રદર્શન કરીને ટ્રેનોની અવરજવર ખોરવી નાખી હતી અને રેલવેની પ્રૉપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું.
અગ્નિપથ યોજના સામે વિરોધની આગ સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ છે. અનેક જગ્યાએ ટ્રેનોને આગ લગાડવામાં આવી છે. તેલંગણ અને બિહારમાં હિંસક વિરોધ-પ્રદર્શનમાં બે જણનાં મોત થયાં હતાં.
વિરોધ-પ્રદર્શન કરનારા યુવાનોનું કહેવું છે કે સરકારે આ યોજનાને કૃષિ કાયદાઓની જેમ પાછી લેવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે આ યોજનાને રજૂ કરતાં પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા એ જ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું કે જે એણે કૃષિ કાયદાઓને લાવવાના સમયે કર્યું હતું. આ યોજના લાવતાં પહેલાં યુવાનોની સાથે કોઈ વાતચીત નહોતી કરવામાં આવી. આ વિરોધ-પ્રદર્શનની અસર હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર પડી શકે છે એવી બીજેપીના અનેક નેતાઓને આશંકા છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં અસર જોવા મળી શકે છે, કેમ કે અહીંના યુવાનોનો ધ્યેય આર્મ્ડ ફોર્સિસમાં જ જોડાવાનો હોય છે. અહીં દર બીજા ઘરનો યુવાન આર્મીમાં હોય છે.
સિકંદરાબાદમાં એકનું મોત અને આઠ જણને ગંભીર ઈજા
સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તોડફોડ કરી રહેલા રોષે ભરાયેલા ટોળાને નિયંત્રિત કરવા માટે પોલીસે ફાયરિંગ કરતાં એક જણનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય આઠ જણને ગંભીર ઈજા થઈ હતી. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પ્રદર્શન પર નિયંત્રણ માટે લાઠીચાર્જ અને ટિયર ગૅસથી પણ કોઈ અસર ન થતાં જનરલ રેલવે પોલીસ ફોર્સને રોષે ભરાયેલા ટોળા પર ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.’ કુલ ૧૫ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પથ્થરમારામાં બે પોલીસ કૉન્સ્ટેબલ્સને પણ ઈજા થઈ હતી.
લખીસરાયમાં પણ એકનું મોત
બિહારના લખીસરાયમાં પણ દેખાવો દરમ્યાન એક જણનું મોત નીપજ્યું છે. વિક્રમશિલા એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી એ દરમ્યાન એક જણનું મોત થયું હતું. મરનાર વ્યક્તિ એ સમયે ટ્રેનમાં હતી. તે આગની ઝપટમાં આવી ગઈ હતી.
બિહારના નાયબ મુખ્ય પ્રધાનના ઘર પર હુમલો
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બેતિયામાં બિહારનાં નાયબ મુખ્ય પ્રધાન રેણુદેવીના ઘરે હુમલો કર્યો હતો. તેમના ઘરને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જોકે રેણુ એ સમયે પટનામાં હતાં.
ગુરુગ્રામમાં કલમ ૧૪૪ લાગુ
વિરોધ-પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ગુરુગ્રામ જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ હાઈ અલર્ટ પર છે.
અલીગઢમાં અનેક બસ ખાખ અલીગઢમાં ટપ્પલની પાસે અનેક બસોને આગ લગાડવામાં આવી હતી, જ્યારે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં ૧૦૦ જણની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોની ટ્રેનમાં તોડફોડ, પથ્થરમારો અને ટ્રેનના એક ડબ્બાને આગ લગાડવાના આરોપસર ધરપકડ કરાઈ છે. પ્રદર્શનકર્તાઓએ યમુના એક્સપ્રેસવે પર ચક્કાજામ કર્યો હતો.
પ. બંગાળમાં ટ્રેન-વ્યવહારને અસર
પશ્ચિમ બંગાળમાં યુવાનોએ રૅલી કાઢી હતી અને અનેક વિસ્તારોમાં ટ્રેનની અવરજવરને રોકી હતી.
દિલ્હીમાં મેટ્રો પર અસર
દિલ્હીમાં પણ અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે દિલ્હી મેટ્રોએ દિલ્હી ગેટ અને જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનોના તમામ ગેટ બંધ કરી દીધા છે.
340
આટલી ટ્રેનોને અસર થઈ છે બે દિવસમાં વિરોધ-પ્રદર્શનને કારણે. ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગણમાં હિંસક દેખાવોના પગલે અનેક ટ્રેનો ગઈ કાલે કૅન્સલ કરવામાં આવી હતી કે પછી ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા હતા અથવા ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી હતી.
બસને બાળનારા લોકો આર્મ્ડ ફોર્સિસ માટે ફિટ નથી
કારગીલ યુદ્ધમાં ભારતને જીત અપાવનારા આર્મીના ભૂતપૂર્વ વડા જનરલ વીપી મલિકે અગ્નિપથ યોજનાને સપોર્ટ આપ્યો હતો અને જણાવ્યું હતું, ‘આર્મીને હિંસા કરનારા ગુંડાઓની ભરતી કરવામાં કોઈ રસ નથી. આપણે સમજવું પડશે કે આર્મ્ડ ફોર્સિસ વૉલન્ટિયર ફોર્સ છે. એ કોઈ કલ્યાણકારી સંગઠન નથી અને એમાં સૌથી બેસ્ટ લોકોનું હોવું જરૂરી છે કે જેઓ દેશ માટે લડી શકે. જે લોકો ગુંડાગીરી કરે છે, ટ્રેન અને બસને સળગાવે છે, તેઓ એવા લોકો છે કે જેમને આપણે આર્મ્ડ ફોર્સિસમાં ન ઇચ્છીએ.’
૧૩ રાજ્યોમાં હિંસાની આગ
અગ્નિપથ યોજનાને લઈને બિહારમાંથી વિરોધની ચિનગારી બીજાં ૧૨ રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને રાજસ્થાન બાદ હવે તેલંગણમાં પણ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.