મધ્ય પ્રદેશની આ ઘટનામાં વિદ્યાર્થીને શરૂઆતમાં લાગ્યું કે આ ભૂલ હશે, પણ તે તપાસ કરવા ગયો ત્યારે ખબર પડી કે કોઈએ તેના PANનો દુરુપયોગ કરીને એક કંપની બનાવીને એમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન કર્યાં છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય પ્રદેશના ગ્વાલિયરની કૉલેજમાં ઇંગ્લિશ વિષયમાં માસ્ટર ઇન આર્ટ્સ (MA) કરી રહેલા એક સ્ટુડન્ટને ઇન્કમ ટૅક્સ (IT) વિભાગે ૪૬ કરોડ રૂપિયાની ટૅક્સની નોટિસ મોકલી છે અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ની ચોરીનો પણ કેસ ઠોકી દીધો છે. પ્રમોદ દંડોતિયા નામના સ્ટુડન્ટનું કહેવું છે કે તે મુશ્કેલીથી તેની ફી ભરી શકે છે, તેનું માત્ર સ્ટેટ બૅન્કમાં જ ખાતું છે, તેની પાસે આવકનું સાધન જ નથી, ટૅક્સ-ચોરી સાથે તેને કોઈ લેવાદેવા નથી.
પ્રમોદે કરેલી ફરિયાદ બાદ પોલીસ તપાસમાં એટલું જાણવા મળ્યું છે કે તેના પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) કાર્ડના આધારે પુણે અને દિલ્હીમાં એક GST ફર્મ રજિસ્ટર્ડ છે અને આ PAN કાર્ડની સાથે એક બૅન્ક-ખાતું પણ ખોલવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પ્રમોદને ૨૭ જાન્યુઆરીએ તેના પોસ્ટલ ઍડ્રેસ પર આવકવેરા ખાતાની નોટિસ આવી હતી. તેને શરૂઆતમાં લાગ્યું કે ખાતાની ભૂલ હશે, પણ તે તપાસ કરવા ગયો ત્યારે તેને ખબર પડી કે તેના નામે એક GST ફર્મ રજિસ્ટર્ડ છે અને એમાં ૨૦૨૧થી ૨૦૨૪ના જાન્યુઆરી સુધીમાં કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન થયાં છે. આ કંપનીએ GST ભર્યો નથી એથી કંપનીના PAN કાર્ડના નામે સ્ટુડન્ટને નોટિસ મોકલવામાં આવી છે. જાન્યુઆરીમાં નોટિસ મળ્યા બાદ પ્રમોદ ભણવાનું છોડીને પોલીસ-સ્ટેશન અને આવકવેરા ખાતાની ઑફિસોનાં ચક્કર લગાવી રહ્યો છે.

