બીજેપીએ ભડકીને માફીની માગણી કરી
રાહુલ ગાંધી , વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઝારસુગુડા, ઓડિશા (પી.ટી.આઇ.) : કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમ્યાન એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં નથી જન્મ્યા અને પોતાની ઓળખ ઓબીસી તરીકે આપીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાહુલે કહ્યું કે વડા પ્રધાનનો જન્મ ‘ઘાંચી’ જાતિમાં થયો હતો, જે વર્ષ ૨૦૦૦માં ગુજરાતમાં બીજેપી સરકારના કાર્યકાળ દરમ્યાન ઓબીસી યાદીમાં આવતી હતી. મોદીજી જન્મથી ઓબીસી નથી. તેમણે ગુજરાતના સીએમ બન્યા બાદ પોતાની જાતિ બદલીને ઓબીસી કરી હતી. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન દેશમાં ક્યારેય જાતિની વસ્તી ગણતરી નહીં કરે અને એના વગર સામાજિક ન્યાય પ્રાપ્ત ન થઈ શકે. ભારતીય જનતા પક્ષે રાહુલ ગાંધીના વિધાનને સાવ વાહિયાત ગણાવતા એવી માગણી કરી હતી કે, કૉન્ગ્રેસના નેતા તત્કાળ આ મામલે માફી માગે.