તેમને પહેલી પત્ની ઇન્દ્રપ્રીત કૌરથી એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે ઇન્દ્રપ્રીત કૌરને ૨૦૧૫માં ડિવૉર્સ આપ્યા હતા. ઇન્દ્રપ્રીત કૌર બન્ને બાળકો સાથે અમેરિકામાં રહે છે.
ભગવંત માન
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને પત્ની ડૉ. ગુરપ્રીત કૌરના ઘરે પુત્રીનો જન્મ થયો છે. ૫૦ વર્ષના ભગવંત માને ઍક્સ (અગાઉના ટ્વિટર) પર નવજાત બાળકીનો ફોટો શૅર કરીને લખ્યું છે કે ભગવાને અમને પુત્રીની સોગાદ આપી છે. માતા અને બાળકીની તબિયત સારી છે. પંજાબના મુખ્ય પ્રધાન તરીકે ૨૦૨૨ની ૧૬મી માર્ચે શપથ લીધા બાદ ભગવંત માને એ જ વર્ષે છઠ્ઠી જુલાઈએ ચંડીગઢમાં ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં હતાં. ભગવંત માનનું આ ત્રીજું સંતાન છે. તેમને પહેલી પત્ની ઇન્દ્રપ્રીત કૌરથી એક પુત્ર અને એક પુત્રી છે. તેમણે ઇન્દ્રપ્રીત કૌરને ૨૦૧૫માં ડિવૉર્સ આપ્યા હતા. ઇન્દ્રપ્રીત કૌર બન્ને બાળકો સાથે અમેરિકામાં રહે છે.
અત્યાર સુધી ભારતના ભરોસે રહેતા મૉલદીવ્ઝને ચીને પીવાનું પાણી પૂરું પાડ્યું
પાણીની કારમી અછત ભોગવી રહેલા મૉલદીવ્ઝને ૧,૫૦૦ ટન પીવાનું પાણી ચીન દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. ચીન દ્વારા આપવામાં આવેલું આ પાણી તિબેટના ગ્લૅસિયરમાંથી મેળવવામાં આવ્યું છે. દેશમાં ૧,૫૦૦ ટન પીવાના પાણીનું શિપમેન્ટ આવી પહોચ્યું છે એમ મૉલદીવ્ઝના ન્યુઝ પોર્ટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પહેલાં જ્યારે પણ મૉલદીવ્ઝને જરૂર પડી હતી ત્યારે ભારતે એને પાણી પૂરું પાડ્યું હતું, પણ ત્યાં નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ આવ્યા બાદ ભારત સાથેના સંબંધો બગડ્યા છે. મૉલદીવ્ઝના રાષ્ટ્રપતિ ચીનના ખોળામાં બેઠા હોવાથી ત્યાંના વિપક્ષના નેતાએ પણ તેમની ટીકા કરીને આ ભૂલ સુધારી લેવાનું અનેક વાર કહ્યું હોવા છતાં મોહમ્મદ મુઇઝુ પોતાનું સ્ટૅન્ડ બદલતા નથી.
ગૌરક્ષા માટે સંસદભવન પરિસરમાં પ્રોટેસ્ટ માર્ચ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના સમર્થકોએ ગઈ કાલે દિલ્હીમાં સંસદભવન પરિસરમાં ગૌરક્ષા માટે પ્રોટેસ્ટ માર્ચ રાખી હતી. ૧૯૬૬માં સંસદભવનના જે ખૂણામાં ગૌરક્ષકો પર એ વખતની સરકારે ગોળીબાર કર્યો હતો ત્યાં તેઓ આ પ્રોટેસ્ટ માર્ચ લઈ ગયા હતા.
કેજરીવાલને મુખ્ય પ્રધાનપદેથી દૂર કરવા ઇચ્છતી યાચિકા દિલ્હી હાઈ કોર્ટે ફગાવી
દિલ્હી લિકર પૉલિસી સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં ધરપકડને પરિણામે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલને મુખ્ય પ્રધાનપદેથી દૂર કરવા ઇચ્છતી જાહેર હિતની અરજીને દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. આ બાબતે ઍક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહનના નેતૃત્વ હેઠળની બેન્ચે કમેન્ટ કરવાનો ઇનકાર કરી જણાવ્યું હતું કે આ બાબત જુડિશ્યલ હસ્તક્ષેપની બહાર આવે છે. સુનાવણી દરમ્યાન અરજદાર સૂરજ સિંહ યાદવના ઍડ્વોકેટને કસ્ટડીમાં હોય તે વ્યક્તિ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ ન રહી શકે એવી કાયદામાં જોગવાઈ હોય તો બતાવવા કહ્યું હતું.

