મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગૅરન્ટી સ્કીમમાં કામની માગમાં વધારો થયો છે એ પણ એમ દર્શાવે છે કે દેશનાં ગામડાંમાં રોજગારી અને આવકની સ્થિતિ સુધરી નથી

ફાઇલ તસવીર
વર્ષ ૨૦૨૧-૨૨માં દેશના જીડીપીમાં વૃદ્ધિના અગ્રીમ અંદાજમાં જણાયું છે કે ૨૦૨૦-૨૧માં કોવિડ-19ના માર પછી અર્થતંત્ર ફરી એકધારું વધી રહ્યું છે. આમ છતાં, અર્થતંત્રનો એક મહત્ત્વનો હિસ્સો ગ્રામીણ વપરાશ છે અને એ ફરી મંદ પડ્યો છે, જેથી એક એવી દલીલ થઈ રહી છે કે અર્થતંત્રના પુનરુત્થાનનો લાભ સૌને પહોંચી રહ્યો નથી.
મહામારીને દોષ દેવો સરળ છે, વેતન અને આવકના નિર્દેશાંકો તો કોવિડ-19 પૂર્વેની સપાટીએથી પણ નીચા છે એટલે ગ્રામીણ લોકો માટે પરિસ્થિતિ વસમી છે. વેપારની દૃષ્ટિએ કૃષિ ક્ષેત્ર માટે સ્થિતિ સારી નથી અને ગ્રામીણ વિસ્તારોમાં વાસ્તવિક વેતનોના દરમાં ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારમાં ૨૦૧૮થી વપરાશી માગનો વેગ ઘટતો રહ્યો છે, એમ એમ્કે ગ્લોબલ ફાઇનૅન્શિયલ સર્વિસિસનાં મુખ્ય અર્થશાસ્ત્રી માધવી અરોરાએ કહ્યું હતું.
કૃષિ ક્ષેત્રમાં ગ્રામીણ મજૂરો અને બિનખેતી મજૂરોના વેતનનો વાર્ષિક દર માર્ચ ૨૦૨૧ના ૬.૧ ટકાથી ઘટીને નવેમ્બરમાં ૪.૭૫ ટકા થયો છે, એમ સેન્ટર ફૉર ઇન્ડિયન ઇકૉનૉમી દ્વારા એકત્ર કરાયેલા આંકડા દર્શાવે છે. ગ્રામીણ અર્થતંત્રમાં એપ્રિલ-જૂનમાં આવેલી બીજી લહેરને કારણે પડકારો ઊભા થયા, જે કામદારો શહેરી વિસ્તારોમાંથી ગામડાંમાં ગયા હતા, તેઓ તેમના કામ પર પરત આવ્યા નથી.
મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગૅરન્ટી સ્કીમમાં કામની માગમાં વધારો થયો છે એ પણ એમ દર્શાવે છે કે દેશનાં ગામડાંમાં રોજગારી અને આવકની સ્થિતિ સુધરી નથી. હવે જો કોરોનાની મહામારી ચાલુ રહી તો તેમની હાલત વધુ ખરાબ થશે.
રોજગારી અને આવકની અનિશ્ચિતતાનો અર્થ એ થાય કે ગ્રામીણ માગ એનું પ્રારંભિક બળ ગુમાવી રહી છે. ટ્રૅક્ટરનું વેચાણ અને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણના આંકડા દર્શાવે છે કે ગ્રામીણ અર્થતંત્રએ ૨૦૨૦માં મહામારીની પ્રથમ લહેર બાદ જે પ્રતિકારક શક્તિ દાખવી હતી એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લગભગ પ્રત્યેક ટ્રૅક્ટર ઉત્પાદકે ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવાનું દર્શાવ્યું છે. આવશ્યક ગ્રાહક ચીજોના ઉત્પાદકોના વેચાણમાં સપ્ટેમ્બર દરમિયાન આગલા વર્ષની તુલનાએ ૨.૯ ટકાનો ઘટાડો થયો હતો, એમ નેલ્સેન ઇન્ડિયાના ડેટામાં જણાવાયું હતું.
ડિસેમ્બર મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવશ્યક ગ્રાહક ચીજોની ઉત્પાદક કંપનીઓના વેચાણમાં ઘટાડો થવાની સંભાવનાં બ્રોકર હાઉસિસ વ્યક્ત કરી રહ્યાં છે.
ગ્રામીણ ક્ષેત્ર પર અસર
ગ્રામીણ વિસ્તારોમાં સ્થગિત વેતનો અથવા વેતનોમાં ઘટાડો ફુગાવાને કારણે છે. વિશ્વમાં કૉમોડિટીની કિંમતો પુરવઠો ખોરવાવાને કારણે વધી ગઈ છે, એને લીધે આ ફુગાવો થયો છે. બિનખાદ્ય ચીજોમાં અને આરોગ્ય સેવાઓમાં ઊંચા ફુગાવાને કારણે ગ્રામીણ લોકોનું બજેટ તહસનહસ થઈ ગયું છે. ગ્રામીણ ભારત માટે કન્ઝ્યુમર પ્રાસસ ઇન્ડેક્સ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન સરેરાશ પાંચ ટકા વધ્યો હતો. સીપીઆઇ રુરલ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૪.૦૭ ટકાની નીચી સપાટીએ હતો એ ડિસેમ્બરમાં વધીને ૫.૩૬ ટકા થયો હતો.
સપ્ટેમ્બરમાં રેટિંગ એજન્સી ઇકરા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાયું હતું કે ૨૦૨૧ની ખરીફ મોસમમાં ખેડૂતોની આવકમાં ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો હતો એમાં મોટા ભાગનો હિસ્સો (આશરે ૨૦ ટકા) બચતમાં અને ૫-૧૦ ટકા હિસ્સો બિનખાદ્ય પ્રોડક્ટ્સના ફુગાવામાં ગયો હતો. આથી બિનખાદ્ય ચીજોની એકંદર માગને ખરીફ પાકની સારી આવકમાંથી વેગ મળ્યો નહોતો.
...તો નાણાપ્રવાહ ગામડાંઓ તરફ વળશે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો એક ઇન્ડેક્સ છે જે સર્વેક્ષકની દૃષ્ટિએ ગ્રામીણ ભારતની આર્થિક સ્થિતિનો ચિતાર આપે છે એ ડિસેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આગલા ત્રિમાસિક ગાળાના ૨૨.૩થી ઘટીને ૧૦.૫ થયો હતો. બીજી લહેર દરમિયાન કન્ઝ્યુમર એક્સપેક્ટેશન્સ ઇન્ડેક્સ જૂન ત્રિમાસિક ગાળા અંતેના ૧૮થી ઘટીને ડિસેમ્બરમાં ૧૨.૫ થયો હતો, એમ આરબીઆઇના આંકડા દર્શાવે છે.
જો સરકાર મજબૂત પગલાં લે તો ગ્રામીણ અર્થતંત્ર માટે આશા જાગશે. ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે વધુ ફાળવણી કરવામાં આવશે તો શહેરમાંથી નાણાં ગામડાંઓ તરફ જશે અને આડકતરી રીતે ગ્રામીણ વિસ્તારોની આર્થિકવૃદ્ધિ થશે, એમ એડલવિસ સિક્યૉરિટીઝના એક અભ્યાસમાં જણાવ્યું હતું.
મહામારી દરમિયાન ખેતીએ ગ્રામીણ આવકોને ટેકો પૂરો પાડ્યો હતો. અંદાજપત્રમાં એને ટેકો આપવાની જોગવાઈ કરી વપરાશને વેગ આપવાની આવશ્યકતા છે.