૨૦૨૨-’૨૩માં ૨૩૬૧ કરોડની ઇન્કમ થઈ જે ૨૦૨૧-’૨૨ના ૧૯૧૭.૧૨ કરોડથી ૪૪૩.૭૨ કરોડ વધારે છે. ૪૫૨.૩૮ કરોડ સાથે કૉન્ગ્રેસ છે બીજા નંબરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
અસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સે જણાવ્યું હતું કે છ નૅશનલ પાર્ટીએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ માટે તેમની આવક જાહેર કરી છે. આ વર્ષ દરમ્યાન રાજકીય પાર્ટીઓએ કુલ ૩૦૭૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેમાં બીજેપીની આવક સૌથી વધુ ૨૩૬૧ કરોડ રૂપિયા નોંધાઈ હતી. બીજેપીની આવક છ નૅશનલ પાર્ટીની કુલ આવકના ૭૬.૭૩ ટકા છે, તો કૉન્ગ્રેસ ૪૫૨.૩૭૫ કરોડ રૂપિયાની ઇન્કમ સાથે બીજા ક્રમે રહી હતી, જે છ પક્ષોની કુલ આવકના ૧૪.૭૦ ટકા છે.
૨૦૨૧-’૨૨માં બીજેપીની આવક ૧૯૧૭.૧૨ કરોડ હતી, જે ૨૦૨૨-’૨૩માં ૨૩.૧૫ ટકા અથવા ૪૪૩.૭૨૪ કરોડ વધીને ૨૩૬૦.૮૪૪ કરોડ રૂપિયા થઈ હતી. બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, નૅશનલ પીપલ્સ પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી)એ પણ તેમની ઇન્કમ જાહેર કરી છે. એનપીપીની આવક ૨૦૨૧-’૨૨માં ૪૭.૨૦ લાખ રૂપિયા હતી, જે ૨૦૨૨-’૨૩માં વધીને ૭.૫૬૨ કરોડ થઈ છે, તો આમ આદમી પાર્ટીની આવક નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ૪૪.૫૩૯ કરોડ નોંધાઈ હતી, જે ૨૦૨૨-’૨૩માં ૮૫.૧૭ કરોડ રૂપિયા થઈ હતી.
ADVERTISEMENT
વર્ષ ૨૦૨૧-’૨૨ અને ૨૦૨૨-’૨૩ વચ્ચે કૉન્ગ્રેસ, સીપીઆઇ (એમ) અને બસપાની આવક અનુક્રમે ૧૬.૪૨ ટકા (૮૮.૯૦ કરોડ રૂપિયા), ૧૨.૬૮ ટકા (૨૦.૫૭૫ કરોડ રૂપિયા) અને ૩૩.૧૪ ટકા (૧૪.૫૦૮ કરોડ રૂપિયા) ઘટી છે. ખર્ચની વાત કરીએ તો બીજેપીએ વર્ષ ૨૦૨૨-’૨૩ દરમ્યાન કુલ ૨૩૬૦.૮૪૪ કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી, પરંતુ ખર્ચ માત્ર ૫૭.૬૮ ટકા કર્યો હતો, જેથી કુલ આવક ૧૩૬૧.૬૮૪ કરોડ રૂપિયા થાય છે. તો કૉન્ગ્રેસે ૪૫૨.૩૭૫ કરોડ રૂપિયાની આવક સામે ૪૬૭.૧૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જેથી એ વર્ષ દરમ્યાન એનો ખર્ચ કુલ આવક કરતાં ૩.૨૬ ટકા વધી ગયો હતો.

