કેન્દ્ર સરકાર ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની યોજનાને ફાઇનલ સ્વરૂપ આપી રહી છે
હવે હોમ લોન પર પણ સબસિડી મળશે
નવી દિલ્હી ઃ કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. આગામી પાંચ વર્ષ સુધી શહેરોમાં નાનાં મકાનો માટે સબસિડીવાળી હોમ લોન પૂરી પાડવા માટે સરકાર ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટે વિચાર કરી રહી છે. બે સરકારી સોર્સિસને ટાંકીને ન્યુઝ એજન્સી રૉયટર્સે આ જાણકારી પૂરી પાડી હતી.
આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી અને આ વર્ષના અંતમાં કેટલાંક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં બૅન્કો આગામી થોડા મહિનાઓમાં આ યોજના લાગુ કરે એવી શક્યતા છે. ગયા મહિને મોંઘવારીમાં રાહત આપવા માટે સરકારે કુકિંગ ગૅસની કિંમતોમાં ઘટાડો કર્યો હતો.
વાસ્તવમાં સબસિડીવાળી હોમ લોન વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑગસ્ટમાં ઇન્ડિપેન્ડન્સ ડે માટેની તેમની સ્પીચમાં જ એક પ્લાનની જાહેરાત કરી હતી. જોકે એની વિગતો પૂરી પાડવામાં નહોતી આવી.
વડા પ્રધાને ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે સ્પીચમાં કહ્યું હતું કે ‘અમે એક નવી યોજના લાવવા જઈ રહ્યા છીએ, જેનો એવા પરિવારોને લાભ થશે કે જેઓ ભાડાનાં મકાનો, ઝૂંપડપટ્ટી, ચાલ કે ગેરકાયદે કૉલોનીમાં રહે છે.’
અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ યોજના અત્યારે ફાઇનલ થઈ રહી છે.

