કર્ણાટકમાં યુવતીનું એક્સ્ટ્રામૅરિટલ અફેર જીવલેણ બન્યું
આરોપી સિદ્ધરાજુ નામના યુવકે તેની રક્ષિતા નામની પ્રેમિકાની હત્યા કરી દીધી
કર્ણાટકના મૈસૂર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. આરોપી સિદ્ધરાજુ નામના યુવકે તેની રક્ષિતા નામની પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. આરોપી પ્રેમિકાને એક લૉજમાં લઈ ગયો હતો, ત્યાં બન્ને વચ્ચે ઝઘડો થતાં તેણે પ્રેમિકાના મોઢામાં વિસ્ફોટક પાઉડર ભરી દીધો હતો. ભારે ધડાકાને લીધે લોકો જ્યારે લૉજમાં ધસી આવ્યા હતા ત્યારે તેણે આખી ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ રક્ષિતાના ચહેરા પર મોબાઇલનો વિસ્ફોટ થયો હોવાની વાત ઘડી કાઢી હતી, પણ લોકોને શંકા જતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો.
વીસ વર્ષની રક્ષિતાનાં લગ્ન બીજા એક યુવક સાથે થયાં છે જે મજૂર તરીકે કેરલામાં કામ કરે છે. આમ છતાં રક્ષિતા અને સિદ્ધરાજુ વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો.


