રવિવારની મજા માણવા ગયા હતા, અચાનક તૂટી પડેલા વરસાદને લીધે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા
ગોવાના પાલી ધોધમાં ફસાયેલા ટૂરિસ્ટો
નૉર્થ ગોવાના વાલપોઇ વિસ્તારમાં ફેમસ પાલી વૉટરફૉલ છે, જ્યાં ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો જાય છે. રવિવારે પણ સવારથી ત્યાં પર્યટકો પહોંચ્યા હતા. જોકે બપોર બાદ વરસાદનું જોર વધતાં પાણીની સપાટીમાં અચાનક વધારો થતાં ૧૫૦ લોકો ફસાઈ ગયા હતા.
નૉર્થ ગોવાના પોલીસ સુપરિન્ટેડન્ટ અક્ષત કૌશલે ગઈ કાલે કહ્યું હતું કે ‘અહીંના સાતારી તાલુકાના વાલપોઇ વિસ્તારમાં આવેલા પાલી વૉટરફૉલની મજા માણવા લોકો ગયા હતા, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ જતાં ચારે તરફ પાણી ફરી વળ્યું હતું જેથી આ પર્યટકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કોઈકે વાલપોઇ પોલીસ-સ્ટેશનમાં મદદ માટેનો કૉલ કર્યો હતો એટલે પોલીસ ફાયરબ્રિગેડ અને ફૉરેસ્ટ વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દોરડું બાંધીને બધાને એક-એક કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પાલી ધોધ સુધી પહોંચવા માટે નદીમાંથી જવું પડે છે. પર્યટકો ગયા હતા ત્યારે નદીમાં પાણી ઓછું હતું, પરંતુ બાદમાં ભારે વરસાદને લીધે આ નદીમાં પાણીની સપાટી વધી ગઈ હતી. બપોરે શરૂ કરવામાં આવેલું બચાવકાર્ય મોડી સાંજે પૂરું થયું હતું. ૧૫૦ લોકોને બચાવવામાં આવ્યા હતા.’

