છત્તીસગઢના ભિલાઈ જિલ્લામાં બની ઘટના, પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ, એક આરોપી ફરાર
પ્રતીકાત્મક તસવીર
છત્તીસગઢના ભિલાઈ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં મલકિત સિંહ ઉર્ફે વીરુ નામના ૩૦ વર્ષના એક યુવકનું શુક્રવારે તેના ફ્રેન્ડ્સ દ્વારા મર્ડર કરવામાં આવ્યું હતું. મર્ડર કરવાનું કારણ એટલું જ હતું કે મલકિતે તેના મોબાઇલ ફોનમાં ફિલ્મ ‘ગદર 2’ જોયા પછી ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. આઘાતજનક વાત એ છે કે એને લીધે તેના ફ્રેન્ડ્સે તેને એટલો માર માર્યો હતો કે તેણે આખરે દમ તોડ્યો હતો.
આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આ ચારેય મલકિતના ફ્રેન્ડ્સ છે. ધરપકડ કરવામાં આવેલા આ ચાર આરોપીઓનાં નામ તસવ્વુર, ફૈઝલ, શુભમ લહારે અને તરુણ નિશાદ છે. એક આરોપી ફરાર છે. આ ઘટના વિશે જાણ થતાં જ મલકિતના ફૅમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ તેમ જ નજીકના વિસ્તારોમાં રહેતા સિખ સમુદાયના મેમ્બર્સે વિરોધમાં નૅશનલ હાઇવે બ્લૉક કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યું હતું કે મલકિતે તેના મોબાઇલ ફોનમાં ‘ગદર 2’ જોયા પછી હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા ત્યારે તેના ફ્રેન્ડ્સે વિચાર્યું કે તેમને ચીડવવા માટે તેણે એમ કર્યું હતું. એ પછી મલકિતના ફ્રેન્ડ્સે તેને ખૂબ માર માર્યો. તેને લોકલ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. એ પછી તેને રાયપુરમાં રામાક્રિષ્ના કૅર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેને બચાવી શકાયો નહીં.