ઇન્દોરમાં કૉન્ગ્રેસનો ઉમેદવાર BJPમાં સામેલ થયો એ માટે મુખ્ય પ્રધાન મોહન યાદવે કૉન્ગ્રેસની ઠેકડી ઉડાવી
ફાઇલ તસવીર
મધ્ય પ્રદેશમાં ઇન્દોર લોકસભા મતદાર સંઘના કૉન્ગ્રેસના ઉમેદવાર અક્ષય કાન્તિ બામે તેમની ઉમેદવારી પાછી ખેંચી BJPમાં જોડાયા એ મુદ્દે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે કૉન્ગ્રેસની ઠેકડી ઉડાવી હતી.
કૉન્ગ્રેસનો ઉમેદવાર છેલ્લી ઘડીએ મેદાન છોડીને ભાગી ગયો એ મુદ્દે કટાક્ષ કરતાં મુખ્ય પ્રધાન મોહન યાદવે બેટમા વિસ્તારમાં એક પ્રચારસભામાં કહ્યું હતું કે વરરાજા લગ્ન પહેલાં નાસી જાય તો એમાં અમારી કોઈ ભૂલ નથી. કૉન્ગ્રેસ પ્રચારમાં દાવો કરે છે કે BJPએ ઇન્દોરમાં કંઈક ખોટું કર્યું છે, પણ એમાં અમારી શું ભૂલ હતી? આખા ગામને લગ્નમાં આમંત્રિત કર્યા બાદ લગ્ન સમારોહ પહેલાં વરરાજા નાસી જવા જેવી આ ઘટના છે. કૉન્ગ્રેસ નોટા (નન ઑફ ધ અબોવ-NOTA)ને મત આપવા કહે છે એ મુદ્દે બોલતાં મોહન યાદવે કહ્યું હતું કે ૧૩ મેએ થનારી ચૂંટણીમાં હવે વિપક્ષનો કોઈ ઉમેદવાર બચ્યો નહીં હોવાથી કૉન્ગ્રેસ હવે મતદારોને નોટાને મત આપવા જણાવે છે. આ લોકતંત્રનું અપમાન છે. કોઈનું સંતાન ઘરેથી નાસી જાય તો એમાં કોનો વાંક હોય છે? એ તમારાં બાળકો છે, એમનું ધ્યાન તમારે રાખવું જોઈએ.
ADVERTISEMENT
INDIA બ્લૉકને ઘમંડિયા ગઠબંધન કહેતાં રામાયણના વિલન રાવણને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે આ ઘમંડિયા લોકો ૧૭ લાખ વર્ષ પહેલાં રામના સમયકાળમાં લંકામાં જન્મ્યા હતા. તેમણે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું તેથી તેઓ બનાવટી ભગવાં વસ્ત્રોમાં માતા સીતાનું અપહરણ કરવા આવ્યા હતા.

