BJPએ પાંચમી યાદીમાં ૧૧૧ બેઠકોના ઉમેદવાર જાહેર કરીને અત્યાર સુધી ૩૯૮ કૅન્ડિડેટ અનાઉન્સ કર્યા
કંગના રનોટ , અરુણ ગોવિલ
વાણીવિલાસને કારણે વરુણ ગાંધી અને અનંત કુમાર હેગડેનાં પત્તાં કપાયાં
ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે જાહેર કરેલી ૧૧૧ ઉમેદવારોની પાંચમી સૂચિમાં બૉલીવુડ ઍક્ટ્રેસ કંગના રનૌતને હિમાચલ પ્રદેશમાં તેના હોમટાઉન મંડી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરી હતી. બીજી તરફ રામાનંદ સાગરે બનાવેલી ‘રામાયણ’ સિરિયલમાં રામનું પાત્ર ભજવીને દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલા અરુણ ગોવિલને ઉત્તર પ્રદેશની મેરઠ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આ બન્ને કલાકારોએ હાજરી આપી હતી.
ADVERTISEMENT
૩૭ વર્ષની કંગના રનૌત BJPને જાહેરમાં સપોર્ટ કરે છે અને તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે મારા પ્યારા ભારત અને ભારતીય જનતાની પોતાની ભારતીય જનતા પાર્ટીને હંમેશાં મારું બિનશરતી સમર્થન છે. BJPની રાષ્ટ્રીય નેતાગીરીએ મને મારા જન્મસ્થાન મંડી બેઠક પરથી તેમની ઉમેદવાર જાહેર કરી છે. હાઈ કમાન્ડના ચૂંટણી લડવાના નિર્ણયનું પાલન કરું છું.કંગના જે બેઠક પરથી ચૂંટણી લડવાની છે એની વર્તમાન સંસદસભ્ય કૉન્ગ્રેસની પ્રતિભા સિંહ છે. કંગનાના પરદાદા સરજુ સિંહ રનૌત કૉન્ગ્રેસના વિધાનસભ્ય હતા. અરુણ ગોવિલને મેરઠના વર્તમાન સંસદસભ્ય રાજેન્દ્ર અગરવાલના સ્થાને ટિકિટ અપાઈ છે. અગરવાલ આ બેઠક પર ૨૦૦૯થી સંસદસભ્ય છે.
આ સિવાય પાર્ટીએ કેન્દ્રીય પ્રધાન અશ્વિનીકુમાર ચૌબે અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જનરલ વી. કે. સિંહને ટિકિટ નથી આપી. કૉન્ગ્રેસમાંથી BJPમાં આવેલા નવીન જિન્દાલને હરિયાણાના કુરુક્ષેત્રમાંથી ઉમેદવારી આપવામાં આવી છે. ગયા અઠવાડિયે BJPમાં એન્ટ્રી મારનારા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનનાં ભાભી સીતા સોરેનને ડુમકા બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવી છે.
વરુણ ગાંધીનું પત્તું કાપીને જિતિન પ્રસાદને ટિકિટ

BJPએ ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારની વહુ મેનકા ગાંધીને સુલતાનપુર બેઠક પર ફરી ટિકિટ આપી છે, પણ તેમના પુત્ર અને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પીલીભીતના વર્તમાન સંસદસભ્ય વરુણ ગાંધીનું પત્તું કાપીને તેના સ્થાને કૉન્ગ્રેસમાંથી આવેલા અને ઉત્તર પ્રદેશ સરકારના મિનિસ્ટર જિતિન પ્રસાદને ટિકિટ ફાળવી છે. વરુણ ગાંધી છેલ્લા કેટલાય સમયથી BJP વિરોધી નિવેદનો કરતા હતા ત્યારથી જ લાગતું હતું કે તેમને આ વખતે ટિકિટ મળવાની શક્યતા નથી. જિતિન પ્રસાદ ૨૦૧૪, ૨૦૧૯ની લોકસભા અને ૨૦૧૭ની વિધાનસભા બેઠકમાં કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ગયા હતા. તેઓ મનમોહન સિંહની સરકારમાં બે વાર મિનિસ્ટર રહી ચૂક્યા છે, પણ પછી BJPમાં જોડાયા હતા. પીલીભીતના ત્રણ વાર સંસદસભ્ય રહી ચૂકેલા વરુણ ગાંધી કદાચ આ બેઠક પરથી જ અપક્ષ ચૂંટણી લડે એવી પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે.
વાણીવિલાસ ભારે પડ્યો : અનંત કુમાર હેગડેનું પત્તું કટ

કર્ણાટકના ઉત્તર કન્નડા લોકસભા મતદાર સંઘના ૬ ટર્મના સંસદસભ્ય અનંત કુમાર હેગડેની ટિકિટ BJPએ કાપી નાખી છે અને તેમના સ્થાને ૬ વાર વિધાન સભ્ય રહેલા વિશ્વેશ્વર હેગડે કાગેરીને ઉમેદવારી આપી છે. વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા અનંત કુમાર હેગડેએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે કૉન્ગ્રેસે બંધારણના મૂળભૂત ઢાંચામાં ઘણો ફેરફાર કર્યો છે અને એમાં હિન્દુઓને અન્યાય કરાયો છે. જો આ ફેરફારને બદલવો હોય તો બંધારણમાં ફેરફાર કરવો પડે અને એટલે BJPએ ૪૦૦ પારનો નારો આપ્યો છે. જો BJP પાસે બે-તૃતીયાંશ બેઠકો હોય તો બંધારણમાં ફેરફાર કરી શકાશે.
વાયનાડમાં રાહુલ ગાંધી સામે BJPના કે. સુરેન્દ્રન

કેરલાના વાયનાડમાં કૉન્ગ્રેસના વર્તમાન સંસદસભ્ય રાહુલ ગાંધી સામે BJPએ કેરલા BJPના પ્રમુખ કે. સુરેન્દ્રનને ટિકિટ ફાળવી છે. રાહુલ ગાંધી કૉન્ગ્રેસ અને ડાબેરી પક્ષોના ઉમેદવાર છે એટલે સુરેન્દ્રન સામે કાંટે કી ટક્કર છે. કેરલામાં કૉન્ગ્રેસ અને ડાબેરી પક્ષો એકબીજાના વિરોધી છે, પણ રાષ્ટ્રીય સ્તરે તેમની યુતિ છે. બીજી તરફ સુરેન્દ્રન કેરલા રાજ્યમાં BJPને પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકામાં છે. ૨૦૧૬માં તેઓ માંજેશ્વરમ વિધાનસભા બેઠક પર માત્ર ૮૯ મતથી ચૂંટણી હારી ગયા હતા.
સંદેશખાલીમાં પીડિતોનો અવાજ બનનારી રેખા પાત્રાને BJPની ટિકિટ
પશ્ચિમ બંગાળમાં બશીરહાટ લોકસભા મતદાર સંઘમાં સંદેશખાલી ક્ષેત્રનો સમાવેશ છે અને આ બેઠક પરના તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય શેખ શાહજહાં અને તેના માણસોના અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓેનો અવાજ બનનારી રેખા પાત્રાને BJPએ ટિકિટ ફાળવી છે. આ બેઠક પર તૃણમૂલ કૉન્ગ્રેસે ભૂતપૂર્વ સંસદસભ્ય અને શેખ શાહજહાંના સાથીદાર હાજી નુરુલ ઇસ્લામને ટિકિટ ફાળવી છે.


