પ્રિન્સેસ ઑફ વેલ્સની જાન્યુઆરીમાં પેટની સર્જરી થઈ હતી અને એક અટકળ અનુસાર તેમને હેલ્થ ઇશ્યુને લીધે કોમામાં રાખવામાં આવ્યાં છે
કેટ મિડલટન
પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટન ડિસેમ્બર ૨૦૨૩થી જાહેરમાં જોવાં નથી મળ્યાં, જેના કારણે સોશ્યલ મીડિયા યુઝર્સ વિવિધ અટકળો કરી રહ્યા છે. કેન્સિંગ્ટન પૅલેસે જણાવ્યું હતું કે ૪૨ વર્ષનાં રાજકુમારી જાન્યુઆરીમાં પેટની સર્જરી બાદ રિકવર થઈ રહ્યાં છે. જોકે તેઓ કોમામાં છે એવી અફવા છે. ૧૭ જાન્યુઆરીએ પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સની ઑફિસે નિવેદન આપ્યું હતું કે કેટ મિડલટનને સર્જરી બાદ ૧૦થી ૧૪ દિવસ હૉસ્પિટલમાં રાખવામાં આવશે અને એ પછી તેઓ ઘરે આરામ કરશે. જોકે બ્રિટિશ રૉયલની બે મહિનાથી પણ વધુ સમયની ગેરહાજરીને કારણે લોકોએ તેમની તબિયતને લઈને ખરેખર ચિંતા વ્યક્ત કરી હતી અને એક થિયરી એવી પણ સામે આવી હતી કે રાજકુમારીને સર્જરી દરમ્યાન કૉમ્પ્લિકેશનનો સામનો કરવો પડ્યો હતો જેથી તેમને કોમામાં રાખવામાં આવ્યાં હતાં.
આ પ્રકારનો સૌપ્રથમ દાવો સ્પેનિશ ટીવી શોના હોસ્ટ અને જર્નલિસ્ટે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટનો જીવ જોખમમાં હતો એટલે તેમને ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા બાદ કોમામાં રાખવામાં આવ્યાં હતાં. દરમ્યાન, બકિંગહામ પૅલેસના નજીકનાં સૂત્રોએ આ નિવેદનને અફવા કહીને નકારી કાઢ્યું હતું. કેટના હસબન્ડ પ્રિન્સ વિલિયમ્સ, જેઓ તાજેતરમાં ‘વ્યક્તિગત બાબત’નો હવાલો આપીને વિન્ડસર કૅસલમાં એક નિર્ધારિત કાર્યક્રમમાંથી બહાર નીકળી ગયા હતા, તેઓ એકલા જ સમારોહ અને કાર્યક્રમમાં ભાગ લેતા જોવા મળ્યા હતા, જે એક અસામાન્ય દૃશ્ય છે. નોંધનીય છે કે કેટ મિડલટનની સર્જરીની જાહેરાત બાદ ૭૫ વર્ષના કિંગ ચાર્લ્સને કૅન્સરનું નિદાન થયું હતું. કેન્સિંગ્ટન પૅલેસે તેમના નિવેદનમાં કહ્યું હતું કે કેટ મિડલટન આવતા મહિને ઈસ્ટર પછી ફરજ પર હાજર થશે. જોકે યુકેની સ્થાનિક મીડિયા અનુસાર તેમને સંપૂર્ણ સ્વસ્થ થવામાં નવ મહિના લાગી શકે છે.