રાજ્ય સરકારે કરાવેલા સર્વેમાં ૮૩.૬૧ ટકા લોકોએ EVMને વિશ્વસનીય ગણાવ્યાં, ૮૪.૫૫ ટકાના મતે દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થાય છે
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર
કર્ણાટકમાં કૉન્ગ્રેસ સરકારે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) વિશે કરાવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું ૮૩.૬૧ ટકા નાગરિકો માને છે કે EVM વિશ્વસનીય છે, ૮૪.૫૫ ટકા લોકો માને છે કે ભારતમાં ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી રીતે યોજાઈ હતી. આ સર્વે મુખ્ય ચૂંટણી-અધિકારી વી. અંબુકુમાર દ્વારા કરવામાં આવ્યો હતો અને એમાં બૅન્ગલોર, બેલગાવી, કલબુર્ગી અને મૈસૂરના વહીવટી વિભાગોના ૧૦૨ વિધાનસભા મતવિસ્તારોમાં ૫૧૦૦ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ અહેવાલ કર્ણાટક મૉનિટરિંગ અને ઇવૅલ્યુશન ઑથોરિટી દ્વારા આયોજન, કાર્યક્રમ મૉનિટરિંગ અને આંકડા વિભાગ હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા રાજ્યવ્યાપી સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મોટા ભાગના નાગરિકો માને છે કે ભારતમાં ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી છે અને EVM પર વિશ્વાસ વધી રહ્યો છે. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી વારંવાર વોટ-ચોરી અને EVMમાં ગરબડના આરોપો કરે છે ત્યારે આ સર્વે તેમના દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો પર સવાલ ઊભો કરે છે.
ADVERTISEMENT
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાહુલ ગાંધીએ ચૂંટણીપંચ પર ૨૦૨૩ની કર્ણાટક-ચૂંટણી પહેલાં મતદારયાદીમાંથી વિપક્ષી સમર્થકોનાં નામ મોટા પાયે કાઢી નાખવાનો આરોપ લગાવ્યો હતો. કર્ણાટકના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીપ્રધાન પ્રિયંક ખડગેએ મત રદ કરવાના પ્રયાસોના પુરાવા હોવાનો દાવો કર્યા પછી આ ઝુંબેશ શરૂ થઈ હતી.
BJPએ શું કહ્યું?
આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીને પ્રૉપગૅન્ડા-લીડર જણાવીને કહ્યું હતું કે ‘કર્ણાટકની કૉન્ગ્રેસ સરકારે રાહુલ ગાંધી દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાને મજબૂત તમાચો માર્યો છે. આ એ જ રાહુલ ગાંધી છે જેમને કર્ણાટક, તેલંગણ અને હિમાચલમાં કૉન્ગ્રેસ જીતે ત્યારે ચૂંટણીપંચ સાથે કોઈ સમસ્યા નથી હોતી; પરંતુ જ્યારે તેઓ ચૂંટણી હારે છે ત્યારે તેઓ ચૂંટણીપંચને દોષ આપે છે. દોષ ડેટા મેં નહીં, બેટા મેં હૈ; પરંતુ તેઓ એને સ્વીકારવા માગતા નથી, કારણ કે તેઓ ભ્રમમાં જીવી રહ્યા છે.’


