તામિલનાડુને કાવેરી નદીનું પાણી છોડવાની વિરુદ્ધમાં ‘કન્નડા ઓક્કોટા’ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘કર્ણાટક બંધ’ને કારણે ગઈ કાલે બૅન્ગલોર અને આ રાજ્યના દક્ષિણના અન્ય ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું.
કર્ણાટક બંધ
બૅન્ગલોર (પી.ટી.આઇ.)ઃ તામિલનાડુને કાવેરી નદીનું પાણી છોડવાની વિરુદ્ધમાં ‘કન્નડા ઓક્કોટા’ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘કર્ણાટક બંધ’ને કારણે ગઈ કાલે બૅન્ગલોર અને આ રાજ્યના દક્ષિણના અન્ય ભાગોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. કન્નડ ઓક્કોટા એ કન્નડ અને ખેડૂતોનાં સંગઠનોનું મુખ્ય અસોસિએશન છે. ગઈ કાલે આપવામાં આવેલા બંધ દરમ્યાન વિરોધ-પ્રદર્શન કરનારા સેંકડો લોકોની બૅન્ગલોર પોલીસે ધરપકડ કરી હતી. વિરોધ-પ્રદર્શન કરનાર લોકોએ રસ્તા બ્લૉક કરવાની કોશિશ કરી હતી.
ઑથોરિટીઝે બૅન્ગલોર શહેર, માંડ્યા, મૈસૂર, ચમરાજનગર, રામનગર અને હાસન જિલ્લાઓમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૪૪ લાગુ કરી હતી અને ત્યાં સ્કૂલો-કૉલેજોમાં રજા જાહેર કરી હતી. બૅન્ગલોરમાં કેમ્પેગૌડા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આવતી-જતી ૪૪ ફ્લાઇટને કર્ણાટક બંધને કારણે કૅન્સલ કરવામાં આવી હતી. એ જ રીતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશને પણ તેમની અનેક બસ-સર્વિસ કૅન્સલ કરી હતી. રાજ્યમાં માંડ્યા સહિત અનેક જિલ્લામાં મોટા ભાગની દુકાનો, ઑફિસો અને રેસ્ટોરાં બંધ હતી. એ એરિયામાં રસ્તાઓ પર પ્રાઇવેટ વેહિકલ્સ પણ જોવા નહોતાં મળ્યાં.


