કિસાન આંદોલન વખતના ઍક્ટ્રેસના નિવેદનથી નારાજ હતી
કંગનાને તમાચો મારનાર કુલદીપ કૌર
હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યાના બે દિવસ પછી કંગનાને ચંડીગઢ ઍરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. ગુરુવારે ઍરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની મહિલા જવાને કંગના રનૌતને થપ્પડ મારી હતી. આ મહિલા જવાને કિસાન આંદોલન વિશે ૨૦૨૦માં કંગનાએ કરેલા નિવેદનથી નારાજ થઈને તેને લાફો માર્યો હોવાનું સામે આવ્યું હતું. કુલદીપ કૌર નામની આ મહિલાએ થપ્પડ માર્યા બાદ આસપાસના લોકોને કહ્યું હતું કે ‘કિસાન આંદોલનમાં ૧૦૦-૧૦૦ રૂપિયા આપીને મહિલાઓને ધરણા પર બેસાડવામાં આવે છે એવું કંગનાએ કહ્યું હતું. એ દિવસે મારી મમ્મી પણ ધરણા કરી રહી હતી.’
બાદમાં આ મહિલા જવાનને CISF દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી તથા તેની સામે પોલીસ-ફરિયાદ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચાર વખત નૅશનલ અવૉર્ડ જીતી ચૂકેલી કંગનાએ કિસાન આંદોલન તથા સિટિઝન અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) વિરોધી આંદોલનમાં સામેલ મહિલાઓની આકરી ટીકા કરી હતી. અમેરિકાના ટાઇમ મૅગેઝિને CAAના આંદોલનમાં સામેલ બે મહિલાને કવરપેજ પર સ્થાન આપ્યું હતું.
ADVERTISEMENT
કંગનાએ શું પ્રતિભાવ આપ્યો?
ઍરપોર્ટની ઘટના બાદ કંગનાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો પ્રસારિત કર્યો હતો. તેણે કહ્યું હતું કે ઍરપોર્ટ પર એક મહિલા જવાને મારા ગાલને ઈજા પહોંચાડી છે, પણ હું સુરક્ષિત છું; જોકે મને એ વાતની ચિંતા છે કે પંજાબમાં આતંકવાદ વધી રહ્યો છે.

