ગગનયાન સિસ્ટમમાં ત્રણ મેઇન પૅરૅશૂટ, નાના એસીએસ, પાઇલટ અને ડ્રોન પૅરૅશૂટનો સમાવેશ થાય છે

પ્રતીકાત્મક તસવીર
ઇસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના બબીના ફીલ્ડ ફાયર રેન્જ (બીએફએફઆર)માં એના ગગનયાન માટે ક્રૂ મૉડ્યુલ ડિક્લેરેશન પ્રોગ્રામ માટે ઇન્ટિગ્રેટેડ મેઇન પૅરૅશૂટ ઍરડ્રોપ ટેસ્ટ હાથ ધરી હતી. શુક્રવારે કરવામાં આવેલી આ કવાયત ગગનયાન પ્રોજેક્ટ માટે મહત્ત્વપૂર્ણ હતી. ગગનયાન સિસ્ટમમાં ત્રણ મેઇન પૅરૅશૂટ, નાના એસીએસ, પાઇલટ અને ડ્રોન પૅરૅશૂટનો સમાવેશ થાય છે. ત્રણ પૅરૅશૂટ પૈકી બે પૅરૅશૂટ અવકાશયાત્રીઓને ધરતી પર લાવવા માટે પૂરતા હતા. ટેસ્ટ દરમ્યાન એક પૅરૅશૂટ ખૂલ્યું નહોતું. માનવ માટે ઉપયોગમાં લેવામાં આવે એ પહેલાં આ પૅરૅશૂટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેસ્ટ દરમ્યાન પાંચ ટનના ડમી વજનને ૨.૫ કિલોમીટરની ઊંચાઈએ લઈ ગયા બાદ છોડવામાં આવ્યું હતું. જ્યારે આ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ઇસરો અને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો અને ઍરફોર્સના અધિકારીઓ હાજર રહ્યા હતા.
શનિવારે આઠ ઉપગ્રહને છોડાશે
ઇસરો ૨૬ નવેમ્બરે શ્રી હરિકોટા સ્પેસ પોર્ટ પરથી પીએસએલવી-સી૫૪- ઈઓએસ-૦૬ મિશન સાથે ઓશનનેટ-૩ અને ૮ નૅનો સૅટેલાઇટ લૉન્ચ કરશે, જેમાં એક ભુતાનનો સૅટેલાઇટ હશે. ઇસરોના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે શનિવારે સવારે ૧૧.૫૬ વાગ્યે એને લૉન્ચ કરવામાં આવશે.