ભારત અને ચીનના અધિકારીઓએ ગઈ કાલે બીજિંગમાં વાસ્તવિક અંકુશ રેખા પર ઘર્ષણના મામલે વધુ એક તબક્કામાં રાજદ્વારી સંવાદ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
નવી દિલ્હી ઃ ભારત અને ચીનના અધિકારીઓએ ગઈ કાલે બીજિંગમાં વાસ્તવિક અંકુશ રેખા પર ઘર્ષણના મામલે વધુ એક તબક્કામાં રાજદ્વારી સંવાદ કર્યો હતો, જેમાં ભારત તરફથી ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું કે વાસ્તવિક અંકુશ રેખા પરથી મોટી સંખ્યામાં ચાઇનીઝ સૈનિકોના જમાવડાને પાછા ખેંચી લેવાથી જ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તનાવ દૂર કરવામાં મદદ મળશે.
બન્ને દેશોના લશ્કરની ઉપસ્થિતિ ઘટાડવાના પ્રસ્તાવ પર ચર્ચામાં કોઈ મહત્ત્વની સફળતા મળી હોય એવા કોઈ હાલ સંકેતો નથી. ભારત-ચીન વચ્ચેના સીમાવિવાદ પરની ડબ્લ્યુએમસીસી (વર્કિંગ મેકૅનિઝમ ફૉર કન્સલ્ટેશન ઍન્ડ કોઑર્ડિનેશન હેઠળ આ વાતચીત થઈ હતી. જુલાઈ ૨૦૧૯માં યોજાયેલી ૧૪મી મીટિંગ બાદ આ ગ્રુપની આ પહેલી રૂબરૂ મીટિંગ થઈ હતી. મે ૨૦૨૦માં વાસ્તવિક અંકુશ રેખા પર બન્ને દેશો વચ્ચેના ઘર્ષણ બાદ આ ગ્રુપને ઍક્ટિવેટ કરવામાં આવ્યું હતું. જોકે કોરોનાની મહામારીના કારણે એ પછીથી એની તમામ મીટિંગ વર્ચ્યુઅલી યોજાઈ હતી.


