સમગ્ર દેશમાં ફરી ‘એક દેશ, એક ચૂંટણી’ની ચર્ચા શરૂ થઈ ગઈ છે ત્યારે એના અમલમાં કયાં વિકલ્પો અને અડચણો છે?
દેશમાં કેવી રીતે એકસાથે યોજાઈ શકે છે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ?
નવી દિલ્હી: સમગ્ર દેશમાં અત્યારે ‘એક દેશ, એક ચૂંટણી’ના પ્રસ્તાવની ચર્ચા થઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે આ દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું છે. સોર્સિસ અનુસાર સરકારે આ મુદ્દે સ્ટડી કરવા અને એક રિપોર્ટ દાખલ કરવા માટે એક કમિટીની રચના કરી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એના અધ્યક્ષ રહેશે.
કેન્દ્ર સરકારે ૧૮થી ૨૨મી સપ્ટેમ્બરે સંસદનું સ્પેશ્યલ સેશન બોલાવ્યું એના એક દિવસ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પેશ્યલ સેશનની સરપ્રાઇઝ જાહેરાત કરવામાં આવી ત્યારથી એવી અટકળો હતી કે આ સેશન દરમ્યાન ‘એક દેશ, એક ચૂંટણી’ માટેનું એક બિલ રજૂ કરવામાં આવશે. જોકે સરકાર તરફથી આ મામલે કોઈએ કન્ફર્મ કર્યું નથી.
‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે સમગ્ર દેશમાં એકસાથે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવી. બીજેપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વખત આ મુદ્દે વાત કરી છે. બલકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી માટેના બીજેપીના ઘોષણાપત્રમાં એના માટે વચન આપવામાં આવ્યું હતું.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને એકસાથે યોજવા આ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે
વિકલ્પ-૧: કેટલાંક રાજ્યોની ચૂંટણી લોકસભાની ચૂંટણીની લગભગ સાથે જ થાય છે. કેટલાંક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે જ્યારે કેટલાંક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના કેટલાક મહિના બાદ ચૂંટણી યોજાય છે. કેટલાંક રાજ્યોમાં વિધાનસભાને મુદત પહેલાં ભંગ કરીને અને કેટલાંક રાજ્યોની મુદત વધારીને લોકસભાની ચૂંટણીની સાથે જ ચૂંટણી કરાવી શકાય છે.
કેવી રીતે શક્ય છે?: મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગણમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં યોજાવાની છે. એ જ રીતે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીના થોડા મહિના બાદ યોજાશે. એવામાં જે રાજ્યોમાં વહેલી ચૂંટણીઓ યોજાવાની છે એમની મુદત વધારી શકાય છે અને જ્યાં પછી ચૂંટણી યોજાવાની છે ત્યાં મુદત પહેલાં વિધાનસભા ભંગ કરી શકાય.
વિકલ્પ-૨: અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીનાં બે વર્ષ પછી પૂરી થાય છે. એવામાં બે તબક્કામાં ચૂંટણી કરાવી શકાય છે. પહેલાં તબક્કામાં લોકસભાની સાથે કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ જાય અને બીજા તબક્કામાં બાકી રહેલાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાય.
કેવી રીતે શક્ય છે? ઃ જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણી વચ્ચે એકાદ-બે વર્ષનો ફરક ત્યાં બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજી શકાય છે.
વિકલ્પ-૩ ઃ એકસાથે ચૂંટણીઓ ન કરાવી શકાય તો એક વર્ષમાં યોજાનારી ચૂંટણીઓ એકસાથે કરાવાય. એનાથી વર્ષે વારંવાર થનારી ચૂંટણીઓથી બચી શકાય.
ADVERTISEMENT
સુધારા શા માટે?
એકસાથે ચૂંટણીઓ યોજવા માટે બંધારણની કલમ ૮૩, ૮૫, ૧૭૨, ૧૭૪ અને ૩૫૬માં સુધારા કરવા પડશે.
કલમ-૮૩: આ કલમ અનુસાર લોકસભાની મુદત પાંચ વર્ષની રહેશે.
કલમ-૮૫: રાષ્ટ્રપતિને મુદત પહેલાં લોકસભાને ભંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
કલમ-૧૭૨: આ કલમમાં વિધાનસભાની મુદત પાંચ વર્ષ નક્કી કરવામાં આવી છે.
કલમ-૧૭૪: જે રીતે રાષ્ટ્રપતિની પાસે લોકસભાને ભંગ કરવાનો અધિકાર છે એ જ રીતે કલમ ૧૭૪માં રાજ્યપાલને વિધાનસભાને ભંગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
કલમ-૩૫૬: આ કલમ કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈને સંબંધિત છે. રાજ્યપાલની ભલામણ પર કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે.
મુદત પહેલાં જ સરકારનું પતન થયું તો?
એકસાથે ચૂંટણીઓ યોજવાને લઈને પણ કેટલીક બંધારણીય સમસ્યાઓ આવી શકે છે. લૉ કમિશને આ સમસ્યાઓને લઈને પણ સજેશન્સ આપ્યાં છે. જો બહુમતી ન મળે તો એવી સ્થિતિમાં એ સજેશન આપવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ સૌથી મોટી પાર્ટી કે ગઠબંધનને સરકાર રચવા માટે આમંત્રણ આપે. જો એ પછી પણ સરકારની રચના ન થાય તો મિડટર્મ ચૂંટણીઓ કરાવાય. જોકે ચૂંટણી પછી એ સરકાર જેટલી મુદત બાકી હશે ત્યાં સુધી જ રહેશે. સરકારનું પતનની સ્થિતિમાં લૉ કમિશને સજેસ્ટ કર્યું હતું કે અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા અત્યારની સરકારનું પતન ત્યારે જ કરી શકાય છે કે જ્યારે બીજી સરકાર પર વિશ્વાસ હોય.

