આવતી કાલે આમ આદમી પાર્ટીના કન્વીનરની જામીન અરજી પર થવાની છે સુનાવણી
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાનને ૧૫ એપ્રિલ સુધી તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા .
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ૧ એપ્રિલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની કસ્ટડી પૂરી થયા બાદ લિકર પૉલિસી કેસમાં જેલ મોકલવામાં આવ્યા હતા. સ્થાનિક અદાલતના આદેશ અનુસાર તેઓ આગામી બે અઠવાડિયાં જેલમાં વિતાવશે. કેજરીવાલ તિહાડ જેલ ગયા એ પહેલાં પત્ની સુનીતા કેજરીવાલ અને મંત્રી અતિશી અને સૌરભ ભારદ્વાજને મળ્યા હતા. નોંધનીય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાનને નવ વખત સમન્સ મળવા છતાં તેઓ ED સમક્ષ હાજર થયા નહોતા જેથી ૨૧ માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી કેજરીવાલ ED લૉક-અપમાંથી સરકાર ચલાવી રહ્યા છે. ગઈ કાલે અરવિંદ કેજરીવાલે કોર્ટમાં તેમને ભગવદ્ગીતા, રામાયણ અને પૉલિટિકલ ઍનલિસ્ટ નીરજા ચૌધરીની ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ’ બુક લઈ જવાની પરવાનગી માગી હતી. આ સિવાય તેમની દવા, ઘરનું ખાવાનું અને ટેબલ-ખુરશીની પણ માગ કરવામાં આવી છે. તિહાડ જેલમાં તેમને બે નંબરની બૅરેકમાં રાખવામાં આવ્યા છે.
દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટમાં EDએ જણાવ્યું હતું કે ‘કેજરીવાલે તપાસમાં સહકાર આપ્યો નહોતો અને ઉડાઉ જવાબ આપ્યા હતા. તેમણે પોતાના ડિજિટલ ડિવાઇસના પાસવર્ડ જણાવ્યા નહોતા. આ ઉપરાંત કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના અન્ય સભ્યો વિરુદ્ધ ખોટા પુરાવા આપ્યા હતા અને એવું પણ કહ્યું હતું કે AAPના કમ્યુનિકેશન્સ ઇન-ચાર્જ વિજય નાયર, જે અપ્રૂવર બન્યા છે તેઓ તેમને નહીં પણ અતિશી અને ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા.’
ADVERTISEMENT
કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે આ કેસને લઈને ભવિષ્યમાં ફરીથી કેજરીવાલની કસ્ટડીની જરૂર પડી શકે છે. હવે આવતી કાલે અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી થવાની છે.
આ કેસમાં ગઈ કાલે પહેલી વાર અતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ આવતાં હવે ED તેમને પણ પૂછપરછ માટે બોલાવે તો નવાઈ નહીં.
તિહાડ જેલમાં કેવી હશે કેજરીવાલની દિનચર્યા?
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લિકર પૉલિસી કેસમાં તિહાડ જેલ મોકલવામાં આવ્યા છે. તેઓ ૧૫ એપ્રિલ સુધી જેલમાં રહેશે. કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP)ના ચોથા એવા સભ્ય (વિપક્ષના પાંચમા નેતા) છે જેઓ તિહાડ જેલમાં બંધ છે. કેજરીવાલનો દિવસ અન્ય કેદીઓની જેમ સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે. તેમને સવારના નાસ્તા તરીકે ચા અને બ્રેડ આપવામાં આવશે. ત્યાર બાદ સ્નાનક્રિયા પતાવ્યા બાદ જો સુનાવણી નિર્ધારિત હોય તો તેઓ કોર્ટ માટે રવાના થશે અથવા તેમની કાનૂની ટીમ સાથે મીટિંગ કરશે.
જેલમાં ભોજન સવારના ૧૦.૩૦થી ૧૧ વાગ્યા સુધી મળશે જેમાં દાળ, એક સબ્જી અને પાંચ રોટલી અથવા ભાત હશે. ત્યાર બાદ તેઓ પોતાના સેલમાં ૩ વાગ્યા સુધી બંધ રહેશે. બપોરે ૩.૩૦ વાગ્યે તેમને એક કપ ચા અને બે બિસ્કિટ મળશે અને સાંજે ૪ વાગ્યે તેઓ વકીલને મળી શકે છે. બપોરની જેમ જ સાંજે ૫.૩૦ વાગ્યે રાત્રિભોજન મળશે અને ૭ વાગ્યાથી તેમને આખી રાત માટે જેલમાં બંધ કરવામાં આવશે. તેઓ જેલની પ્રવૃત્તિઓ સિવાયના સમયમાં ટીવી જોઈ શકે છે.

