નિયમની અવગણના કરનારી ફ્લાઇંગ સ્કૂલો સામે કાર્યવાહી ન કરવાના બદલામાં સસ્તામાં ત્રણ ઍરક્રાફટ લીધાં હોવાનો ડિરેક્ટર અનિલ ગિલ પર આરોપ
પ્રતીકાત્મક તસવીર
ગયા મહિને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના ડિરેક્ટર લેવલ ઑફિસર પર પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ અધિકારીઓ લાંચ સ્વીકારીને નિયમોને અવગણે છે. સૌથી વધુ ત્રણ આરોપ અનિલ ગિલ પર મૂકવામાં આવ્યા છે જેઓ છેલ્લાં આઠ વર્ષથી ડીજીસીએ ડિરેક્ટર પદે કાર્યરત છે. તાજેતરમાં તેમની વિરુદ્ધ કરવામાં આવેલા આરોપોને કારણે તેમને ડિરેક્ટર ઑફ ફ્લાઇંગ ટ્રેઇનિંગ (ડીએફટી) પદેથી હટાવવામાં આવ્યા હતા.
ડીજીસીએની ૨૫ ઑક્ટોબરના મોકલવામાં આવેલી ફરિયાદ મુજબ નિયમોની અવગણના કરનાર પાઇલટ માટેની ફ્લાઇંગ સ્કૂલો પાસેથી કાર્યવાહી ન કરવાના બદલામાં લાંચ સ્વીકારી છે. કેટલાક કિસ્સાઓમાં આવી પાઇલટ ટ્રેઇનિંગ સ્કૂલોએ અનિલ ગિલ સાથે સંકળાયેલી બ્લુથ્રોટ ઍરો ગ્લોબલ ઍન્ડ સેબર્સ કૉર્પોરેટ સોલ્યુશનને એમનાં વિમાનોને સાવ સસ્તા દરે આપ્યાં હતાં. ત્યાર બાદ વિવિધ ફ્લાઇટ ટ્રેઇનિંગ કંપનીઓને આ વિમાનો વર્ષે ૯૦ લાખ રૂપિયાના ભાડા પર આપ્યાં હતાં. જોકે બ્લુથ્રોટ ઍરો ગ્લોબલના ડિરેક્ટર વિકાસ નૈને આરોપોને વખોડી કાઢતાં કહ્યું હતું કે ‘અમે પ્રાઇવેટ ઑપરેટરો પાસેથી ત્રણ વિમાન ખરીદ્યાં હતાં. આવા આરોપ વિશે જાણીને આઘાત લાગ્યો છે.’ કોઈને પણ કમર્શિયલ પાઇલટ લાઇસન્સ જોઈતું હોય તો ફ્લાઇંગ સ્કૂલમાંથી તાલીમ લેવી જરૂરી છે. વળી ફ્લાઇંગ સ્કૂલને મંજૂરી આપવાનું કામ અનિલ ગિલ પાસે હતું.’
ADVERTISEMENT
ડીજીસીએ સાથે અગાઉ સંકળાયેલા એક ઑફિસરે કહ્યું હતું કે ‘ અગાઉ પણ આરોપો મૂકવામાં આવ્યા હતા તેમ જ કાર્યવાહી પણ કેટલાક કિસ્સાઓમાં કરવામાં આવી હતી પણ કોઈ ડીજીસીએના અધિકારીને લાંચપેટે વિમાન આપવામાં આવ્યું હોય એવો આરોપ ક્યારેય કરવામાં આવ્યો નથી. અનિલ ગિલે આરોપો મામલે કોઈ પણ જાતનો જવાબ આપવાનું ટાળ્યું હતો. જોકે એની સાથે સંકળાયેલા એક વ્યક્તિએ કહ્યું હતું કે આ આરોપ ખોટો છે. ત્રણ વિમાનો પ્રાઇવેટ ઑપરેટર્સ પાસેથી ફ્લાઇંગ ટ્રેઇનિંગ સ્કૂલે ખરીદ્યાં છે.