પ્રયાગરાજના કૉન્ગ્રેસના સંસદસભ્ય ઉજ્જવલ રમણ સિંહની સંસદમાં માગણી
કૉન્ગ્રેસના સંસદસભ્ય ઉજ્જવલ રમણ સિંહ
લોકસભામાં કૉન્ગ્રેસના પ્રયાગરાજના સંસદસભ્ય ઉજ્જવલ રમણ સિંહે માગણી કરી હતી કે ગાયને રાષ્ટ્રીય માતાનો અથવા રાજ્યમાતાનો દરજ્જો આપવો જોઈએ. સંસદમાં ભાષણ કરતાં તેમણે ગુરુવારે કહ્યું હતું કે ‘ગાયને ગૌમાતા કહેવામાં આવે છે. એ આપણા રાષ્ટ્રીય ગૌરવ અને ઓળખનું પ્રતીક છે. આજે ભારતમાં સ્વદેશી ગાયોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને એ ઝડપથી લુપ્ત થઈ રહી છે. સ્વદેશી ગાયોની ગરિમા, સન્માન, સલામતી અને રક્ષણ સુનિશ્ચિત કરવાની તાત્કાલિક જરૂર છે. આ સાથે ગાય, વાછરડાં અને બળદની કતલ પર પ્રતિબંધ મૂકવાની; કતલ માટે ગાયોના પરિવહન અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાની; ગાયના વેચાણ, ખરીદી અથવા અન્ય કોઈ પણ રીતે નિકાલ પર પ્રતિબંધ મૂકવાની; ગાયનું માંસ રાખવા પર પ્રતિબંધ મૂકવાની અને શુદ્ધ દેશી ગાયોનું રક્ષણ કરવાની જરૂર છે.’
એવી અટકળો ચાલી રહી છે કે કૉન્ગ્રેસના સંસદસભ્ય ચૂંટણીમાં હિન્દુ વોટબૅન્ક પર નિયંત્રણ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના આવા જ દાવામાં સાથે જોડાયા છે. આ માગણીથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે.


