કૉન્ગ્રેસે સેંગોલ વિશેના દાવાને બોગસ ગણાવ્યો, સરકારે વળતો શાબ્દિક પ્રહાર કર્યો

નવી દિલ્હીમાં નવા નિર્માણ કરાયેલા ભારતના સંસદભવનની ઝલક. ત્રણ રાષ્ટ્રીય પ્રતીકો - કમળ, મોર અને વડના વૃક્ષની થીમ પર સંસદભવનનું ઇન્ટીરિયર તૈયાર કરવામાં આવ્યું છે.
નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને જબરદસ્ત હંગામો મચ્યો છે ત્યારે સેંગોલ (રાજદંડ) માટેના બીજેપીના દાવાને કૉન્ગ્રેસે ફગાવી દીધો હતો. કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે એવા કોઈ દસ્તાવેજી પુરાવા નથી કે બ્રિટિશર્સ દ્વારા સત્તા સોંપવાના પ્રતીક તરીકે સેંગોલ જવાહરલાલ નેહરુને સોંપવામાં આવ્યો હતો. ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે આ દાવા બદલ કૉન્ગ્રેસની આકરી ટીકા કરી હતી. બીજેપીના અનેક નેતાઓ અને પ્રધાનોએ પણ એ બદલ કૉન્ગ્રેસની આકરી ટીકા કરી હતી. દરમ્યાન નિવૃત્ત બ્યુરોક્રેટ્સ અને એક્સ-મિલિટરી ઑફિસર્સ સહિત ૨૭૦ હસ્તીઓએ ઓપન લેટર લખીને સંસદભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવા બદલ વિપક્ષોની ટીકા કરી હતી.
અમિત શાહ, ગૃહપ્રધાન
શા માટે કૉન્ગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિને આટલી બધી ધિક્કારે છે? તામિલનાડુના પવિત્ર શૈવ મઠ દ્વારા પંડિત નેહરુને ભારતની આઝાદીના પ્રતીક તરીકે પવિત્ર સેંગોલ આપવામાં આવ્યો હતો, પરંતુ એને ‘વૉકિંગ સ્ટિક’ તરીકે એક મ્યુઝિયમમાં મોકલી દેવામાં આવ્યો હતો.
સ્મૃતિ ઈરાની, કેન્દ્રી યપ્રધાન
સેંગોલ ભારતની લોકતાંત્રિક આઝાદીનો પ્રતીક છે. એ પ્રતીક આપણા સુવર્ણ ઇતિહાસનો એક વિશેષ અંગ છે. ગાંધી પરિવારે મ્યુઝિયમના એક અંધકારમય ખૂણામાં નેહરુની વૉકિંગ સ્ટિક તરીકે વર્ષો સુધી એને રાખ્યો હતો.