તેમણે કહ્યું કે ડીએમકે એવી પાર્ટી છે કે કંઈ કામ કરતી નથી અને ખોટું શ્રેય મેળવવા માગે છે. હવે તો તેમણે જાહેરખબરમાં ચીનનું સ્ટિકર લગાવીને હદ પાર કરી નાખી
ઇસરો સ્પેસપોર્ટની જાહેરાતમાં બૅકગ્રાઉન્ડમાં ચીનના ધ્વજ સાથેનું રૉકેટ
તામિલનાડુમાં બીજા ઇસરો સ્પેસપોર્ટની જાહેરાતમાં બૅકગ્રાઉન્ડમાં ચીનના ધ્વજ સાથેનું રૉકેટ દર્શાવવામાં આવ્યું હતું, જેથી બીજેપીએ ડીએમકે સરકારનો ઊધડો લીધો હતો.તામિલનાડુના કુલશેખરાપટ્ટિનમમાં ઇસરો સ્પેસપોર્ટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ વિશેની એક ઍડ્વર્ટાઇઝમેન્ટ જારી કરવામાં આવી હતી અને એમાં આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરુણાનિધિ અને તેમના પુત્ર અને વર્તમાન સીએમ એમકે સ્ટૅલિનના પ્રયાસોને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા હતા. જોકે એમાં અજાણતામાં ચીનના રાષ્ટ્રધ્વજ સાથેનું કમ્પ્યુટર-જનરેટેડ રૉકેટ દર્શાવવામાં આવ્યું હતું, જેથી બીજેપીએ ડીએમકેની ટીકા કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી.
તિરુનેલવેલીમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ડીએમકે એવી પાર્ટી છે કે કંઈ કામ કરતી નથી અને ખોટો શ્રેય મેળવવા માગે છે. આ લોકો અમારી યોજનાઓ પર પોતાના સ્ટિકર મૂકે છે એ કોણ નથી જાણતું? હવે તો તેમણે તામિલનાડુમાં ઇસરો લૉન્ચ પૉડ માટે ચીનનું સ્ટિકર લગાવીને હદ પાર કરી નાખી છે.’
ADVERTISEMENT
પીએમએ કહ્યું કે તેઓ (ડીએમકે) ભારતની સ્પેસ ક્ષેત્રે પ્રગતિ જોવા માટે તૈયાર નથી અને તમે જે ટૅક્સ ચૂકવો છે એનાથી તેઓ જાહેરાત આપે છે અને ભારતના સ્પેસનો ફોટો પણ નથી લગાવતા.’
બીજેપીના પ્રદેશ પ્રમુખ કે અન્નામલાઈએ પણ સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થયેલી જાહેરાતની નિંદા કરીને ડીએમકે પર દેશના સાર્વભૌમત્વની અવહેલના કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ જાહેરાત ચીન પ્રત્યે ડીએમકેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
નોંધનીય છે કે તામિલનાડુનું બીજું સ્પેસપોર્ટ સ્મૉલ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ (એસએસએલવી)ના લૉન્ચ પર ફોકસ કરશે. આ પહેલ સ્પેસ ટેક્નૉલૉજી અને સંશોધનમાં ભારતની ક્ષમતાને વધારવામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.