કેન્દ્ર સરકારના વટહુકમને બિલના સ્વરૂપમાં રાજ્યસભામાંથી પસાર થતાે અટકાવવા માટે તમામ વિપક્ષોને સાથે આવવા હાકલ કરવામાં આવી
નીતીશ કુમાર અને અરવિંદ કેજરીવાલ
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપીની વિરુદ્ધ વિપક્ષોને એક કરવાના મિશન પર છે. ગઈ કાલે તેઓ દિલ્હીમાં ગયા હતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. કેજરીવાલે નીતીશ સમક્ષ ‘રાજ્યસભા’ પ્લાન રજૂ કર્યો હતો. તેમની દૃષ્ટિએ લોકસભાની ચૂંટણી પહેલાં એ ‘સેમી-ફાઇનલ’ બની શકે છે. બિહારના ડેપ્યુટી સીએમ અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ પણ તેમની સાથે આ મીટિંગમા હતા.
આમ આદમી પાર્ટીની સરકારની તરફેણમાં સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ કેન્દ્ર સરકાર વટહુકમ લાવી છે. એને બંધારણની વિરુદ્ધ ગણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે આ મુદ્દે નીતીશકુમારે તેમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અને તેઓ સાથે મળીને આ મામલે લડત લડશે.’
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીને કરવામાં આવેલા અન્યાયની વિરુદ્ધ અમે સાથે મળીને લડીશું. મેં વિનંતી કરી છે કે જો તમામ વિપક્ષો સાથે આવે તો વટહુકમને બિલના સ્વરૂપમાં રાજ્યસભામાં હરાવી શકાય છે. જો રાજ્યસભામાં એ બિલને પસાર થતા અટકાવવામાં સફળતા મળશે તો એ સેમી-ફાઇનલ રહેશે. જેનાથી સમગ્ર દેશમાં એ મેસેજ જશે કે બીજેપી ૨૦૨૪માં સત્તા પર પાછી આવી નહીં શકે.’
સપોર્ટ માટે કેજરીવાલ મમતા, ઉદ્ધવ અને પવારને મળશે
ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ પર કન્ટ્રોલના મામલે કેન્દ્ર સરકાર સાથેની લડાઈમાં હવે કેજરીવાલે ગઈ કાલે કહ્યું કે તેઓ સપોર્ટ મેળવવા માટે મંગળવારે પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બૅનરજીને કલકત્તામાં મળશે. એ ઉપરાંત આમ આદમી પાર્ટીના સોર્સિસ અનુસાર કેજરીવાલ બુધવારે મુંબઈમાં શિવસેના (યુબીટી)ના લીડર ઉદ્ધવ ઠાકરે સાથે જ્યારે ૨૫મી મેએ એનસીપીના સુપ્રીમો શરદ પવાર સાથે મુલાકાત કરશે.