આસામની મહિલાએ બન્ને મૃતદેહના નાના-નાના ટુકડા કરી એને મેઘાલયની ખીણમાં ફેંકી દીધા બાદ પોલીસમાં તેઓ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી, પાંચ મહિના બાદ ઉકેલાયો કેસ
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
ગુવાહાટી (પી.ટી.આઇ.) : આસામની મહિલાએ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને પતિ અને સાસુની હત્યા કર્યા બાદ તેમના શરીરના ટુકડા કરીને એક પૉલિથિનની બૅગમાં ભરી છેક મેઘાલયની ખીણમાં ફેંકી આવ્યાં હતાં. આ હત્યા ગયા વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં થઈ હતી. માતાના શરીરના કેટલાક અવશેષ રવિવારે મેઘાલયમાંથી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. દરમ્યાન ડીસીપી દિગંતા કુમાર ચૌધરીએ કહ્યું કે ‘ગયા સપ્ટેમ્બરમાં પત્નીએ પોતાનો પતિ અને સાસુ ગુમ થઈ ગયાં હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમની ઓળખ અનુક્રમ અમરેન્દ્ર ડે અને શંકરી ડે તરીકે કરવામાં આવી હતી. કેટલાક સમય બાદ અમરેન્દ્રના પિતરાઈએ ગુમ થયાની વધુ એક ફરિયાદ નોંધી હતી, જેમાં પત્ની પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ફરીથી તપાસ શરૂ કરતાં હત્યાનો કેસ ઊકલ્યો હતો.


