ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) એક પછી એક સફળતા મેળવી રહ્યું છે.
૯.૨ લાખ કિલોમીટરનું અંતર કાપી આદિત્ય-L1 પૃથ્વીના પ્રભાવવાળા ક્ષેત્રથી બહાર નીકળી ગયું
બૅન્ગલોર ઃ ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) એક પછી એક સફળતા મેળવી રહ્યું છે. આદિત્ય-L1 મિશનને લઈને એક ગુડ ન્યુઝ આવ્યા છે. ઇસરોએ જણાવ્યું છે કે આદિત્ય-L1એ પૃથ્વીથી ૯.૨ લાખ કિલોમીટર કરતાં વધારે અંતરનું ટ્રાવેલિંગ કર્યું છે. પૃથ્વીના પ્રભાવવાળા ક્ષેત્રથી સફળતાપૂર્વક એ બહાર નીકળી ગયું છે. હવે એ સૂર્ય-પૃથ્વી લેંગ્રેજ પૉઇન્ટ-1 (L1) તરફ જઈ રહ્યું છે.
સતત બીજી વખત એમ બન્યું છે કે ઇસરો પૃથ્વીના પ્રભાવવાળા ક્ષેત્રની બહાર સ્પેસક્રાફ્ટને મોકલી શક્યું છે. પહેલી વખત માર્સ ઑર્બિટર મિશન વખતે એમ કર્યું હતું.
ઇસરોના આદિત્ય-L1 મિશનને આ વર્ષે બીજી સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવ્યું હતું, જે સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પહેલું મિશન છે. એમાં સાત પેલોડ્ઝ છે અને એ તમામેતમામ દેશમાં જ ડેવલપ કરવામાં આવ્યા છે, જેમાંથી પાંચ ઇસરો દ્વારા, જ્યારે બે ઍકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
આદિત્ય-L1એ હવે માત્ર ૧૧૦ દિવસ સુધી અવકાશમાં જર્ની કરવાની છે. જેના પછી તે L1 પૉઇન્ટ પર પહોંચશે.


