મસ્કે તાજેતરમાં જ ટ્વિટરને ટેકઓવર કરવાની પ્રોસેસ શરૂ કરી હતી

ફાઇલ તસવીર
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એસઆઇઆઇ)ના સીઈઓ અદર પુનાવાલાએ ગઈ કાલે ઇલૉન મસ્કને તેની ટેસ્લા ઇલેક્ટ્રિક કાર્સનું ભારતમાં ઉત્પાદન કરવા માટેની સલાહ આપી હતી.
મસ્કે તાજેતરમાં જ ટ્વિટરને ટેકઓવર કરવાની પ્રોસેસ શરૂ કરી હતી. તેણે આ પહેલાં ટેસ્લા ઇલેક્ટ્રિક કાર્સ પરની આયાત ડ્યુટી ઘટાડવા ભારતને જણાવ્યું હતું. જોકે કેન્દ્ર સરકારે મસ્ક ભારતમાં જ ઉત્પાદન કરે એવો આગ્રહ રાખ્યો હતો.
ટ્વિટર પર મસ્કને ટૅગ કરીને પુનાવાલાએ જણાવ્યું હતું કે ‘જો કોઈ કારણસર તમે ટ્વિટર ખરીદવામાં સફળ ન રહ્યા તો એના માટેની કેટલીક મૂડીનું ટેસ્લા કાર્સના ઉચ્ચ ગુણવત્તા અને લાર્જ સ્કેલ પર ઉત્પાદન માટે ભારતમાં રોકાણ કરવા વિશે વિચાર કરો. હું તમને ખાતરી આપું છું કે એ તમારા દ્વારા કરવામાં આવેલું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રહેશે.’
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ આ પહેલાં જણાવ્યું હતું કે ‘જો ટેસ્લા એનાં ઇલેક્ટ્રિક વાહનોનું ભારતમાં ઉત્પાદન કરવા તૈયાર હોય તો કોઈ પ્રૉબ્લેમ નથી, પરંતુ આ કંપનીએ ચીનમાંથી એની આયાત ન જ કરવી જોઈએ.’