દિલ્હીના પ્રધાન સત્યેન્દર જૈનનો તિહાર જેલમાં મસાજ કરાવતો વિડિયો બહાર આવ્યા બાદ બીજેપીએ કરી પોલીસ-ફરિયાદ, જ્યારે આમ આદમી પાર્ટીએ બચાવ કરતાં એને ટ્રીટમેન્ટ ગણાવી

દિલ્હીની તિહાર જેલમાં મસાજ કરાવતા ‘આપ’ના પ્રધાન સત્યેન્દર જૈન
બીજેપીના અનેક નેતાઓએ આમ આદમી પાર્ટી (એએપી-આપ)ના પ્રધાન સત્યેન્દર જૈનનો એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં તેઓ દિલ્હીની તિહાર જેલમાં મસાજ કરાવતા જોવા મળ્યા હતા. મની લૉન્ડરિંગના કેસમાં આ વર્ષે મે મહિનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે થોડા દિવસ પહેલાં જ જેલમાં કેદ આ પ્રધાનને કથિત રીતે વીઆઇપી ટ્રીટમેન્ટ બદલ તિહાર જેલના સુપરિન્ટેન્ડન્ટ અજિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જેલમાં કેદ મહાઠગ સુકેશ ચન્દ્રશેખરે જેલ નંબર સાતના સુપરિન્ટેન્ડન્ટ પર અયોગ્ય રીતે લાભ પહોંચાડવાનો આરોપ મૂક્યા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટીની ભલામણના આધારે આ ઍક્શન લેવામાં આવી હતી. જેલ નંબર સાતમા સત્યેન્દર કેદ છે.
ADVERTISEMENT
હવે ગઈ કાલે રિલીઝ કરવામાં આવેલા વિડિયોમાં તિહાર જેલમાં કેદ સત્યેન્દર જૈન ફુટ, બૅક અને હેડ મસાજ કરાવતા જોવા મળ્યા હતા. બીજેપીના નેતા શેહઝાદે આ વિડિયો શૅર કરવાની સાથે લખ્યું હતું કે ‘જેલમાં વીવીઆઇપી ટ્રીટમેન્ટ. શું કેજરીવાલ આવા પ્રધાનનો બચાવ કરી શકે? શું તેમની હકાલપટ્ટી ન કરવી જોઈએ? આ વિડિયો આમ આદમી પાર્ટીનો ખરો ચહેરો બતાવે છે.’
તિહાર જેલમાંથી આ વિવાદાસ્પદ વિડિયો બહાર આવ્યા બાદ દિલ્હી બીજેપીએ ગઈ કાલે સત્યેન્દર જૈન અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટી (એએપી-આપ)એ સત્યેન્દરનો મેડિકલ રિપોર્ટ જારી કરીને દાવો કર્યો હતો કે તેમને કરોડરજ્જુમાં L5-S1 વર્ટેબ્રે ડિસ્ક ઈજા થઈ છે, જેના માટે ડૉક્ટરે રેગ્યુલર ફિઝિયોથેરપી અને એક્યુપ્રેશર ટ્રીટમેન્ટની ભલામણ કરી છે.

