ઉત્તરાખંડ (Uttarakhand)ના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાઓથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડ (Uttarakhand)ના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાઓથી ભરેલી બસ 500 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં લગભગ 45 થી 50 લોકો સવાર હોવાનું કહેવાય છે. તે જ સમયે, ઘટનાની માહિતી મળતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. SDRFની ચાર ટીમો અહીં બચાવ કાર્યમાં લાગેલી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 21 લોકોને બચાવી લેવાયા છે.
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે આ ઘટના અંગે માહિતી આપી હતી. DGPએ કહ્યું, "ગઈ રાત્રે પૌરી ગઢવાલના બિરખાલ વિસ્તારમાં થયેલા બસ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવ્યા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." આ પહેલા ઉત્તરાખંડના SDRF કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ માહિતી આપી છે.
આ પહેલા હરિદ્વાર સિટી એસપી સ્વતંત્ર કુમાર સિંહે મોડી રાત્રે બસ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. સિટી એસપીએ કહ્યું, "લાલધાંગથી એક જાન નીકળી હતી. રસ્તામાં તેનો અકસ્માત થયો હતો. પરિવારના સભ્યો પાસેથી માહિતી લેવામાં આવી છે. ઘટનાસ્થળે પૌરી પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે."
તે જ સમયે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું, "લગભગ 45 લોકોથી ભરેલી બસની પૌરી જિલ્લાના સિમડી ગામ પાસે થયેલા દુ:ખદ બસ અકસ્માતની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી સમીક્ષા દરમિયાન સંબંધિત અધિકારીઓ પાસેથી આ ઘટના વિશે વિગતવાર માહિતી લેવામાં આવી હતી."
તેમણે આગળના ટ્વીટમાં લખ્યું કે હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ પૌરી સાથે ફોન દ્વારા વાત કરી અને રાહત અને બચાવ કાર્યને સંપૂર્ણ તકેદારી સાથે કરવા સૂચના આપી. સરકારી સ્તરેથી શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ટીમોને બચાવ કામગારી માટે મોકલવામાં આવી છે.