ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પોતાના પદનો દુરુપયોગ કરવા તેમ જ સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી ન મેળવવા બદલ આ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
છત્તીસગઢમાં બનેલી એક વિચિત્ર અને ગેરજવાબદાર ઘટનામાં એક સરકારી અધિકારીએ જળાશયમાં પડેલો પોતાનો લાખ રૂપિયાની કિંમતનો મોંઘો ફોન મેળવવા માટે ૨૧ લાખ લિટર પાણી જળાશયમાંથી બહાર કાઢી વેડફતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોતાનો બચાવ કરતાં આ અધિકારીએ કહ્યું હતું કે જળાશયનું પાણી વપરાશ માટેનું નહોતું તથા એને સ્થાનિક સબ-ડિવિઝનલ ઑફિસની મૌખિક પરવાનગી મળ્યા બાદ તેણે પાણી કાઢ્યું હતું. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પોતાના પદનો દુરુપયોગ કરવા તેમ જ સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી ન મેળવવા બદલ આ અધિકારીને સસ્પેન્ડ કર્યા હતા.
ખેરકટ્ટા ડૅમ ખાતે રજાઓ ગાળવા ગયેલા કાંકેર જિલ્લાના કોઇલીબેડા બ્લૉકના ફૂડ ઑફિસર રાજેશ વિશ્વાસ સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે તેમનો ફોન ૧૫ ફુટની ઊંડાઈ ધરાવતા ઓવરફ્લો એરિયામાં પડી ગયો હતો. ડાઇવર્સે ફોન શોધવાની કોશિશ કરી, પરંતુ નિષ્ફળતા મળતાં તેમણે ૩૦ હૉર્સપાવરની ક્ષમતાના બે ડીઝલ-પમ્પની મદદથી સોમવારથી ગુરુવાર એમ સતત ત્રણ દિવસ સુધી જળાશયનું ૨૧ લાખ લિટર પાણી ઉલેચવામાં આવ્યું હતું. આટલા પાણીથી ૧૫૦૦ એકર જમીનમાં પથરાયેલાં ખેતરોની સિંચાઈ થઈ શકી હોત. ઇરિગેશન ઍન્ડ વૉટર રિસોર્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ તેને મળેલી ફરિયાદના આધારે ઘટના સ્થળે પહોંચીને પાણી બહાર કાઢતાં અટકાવ્યું હતું. જોકે એમ છતાં ૨૧ લાખ લિટર પાણી વેડફાઈ ગયું હતું. રાજેશ વિશ્વાસનું કહેવું છે કે ‘ફોનમાં વિભાગના સત્તાવાર ડેટા હોવાથી એ પાછો મેળવવો જરૂરી હતો. જોકે ત્રણ દિવસ ઊંડા પાણીમાં રહેલો ફોન હવે બંધ પડ્યો છે.’