૧૮ લોકોએ જીવ ગુમાવ્યા
રાજસ્થાનના જોધપુર-ફલોદી જિલ્લાના માટોડા વિસ્તારમાં થયો હતો અકસ્માત
રાજસ્થાનના જોધપુર-ફલોદી જિલ્લાના માટોડા વિસ્તારમાં રવિવારે રાતે એક રોડ-ઍક્સિડન્ટમાં ૧૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય ચાર જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર પાર્ક કરેલા ટ્રેલર સાથે જોશભેર અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
જોધપુરના સૂરસાગર વિસ્તારમાંથી બિકાનેર પાસેના કોલાયતમાં આવેલા કપિલ મુનિ આશ્રમમાં દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓને લઈને જતો ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર સાથે અથડાયો હતો. આ અથડામણ એટલી ગંભીર હતી કે એનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘણા શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જીવ ગુમાવનારાઓ જોધપુર જિલ્લાના સૂરસાગરના રહેવાસી છે. લોકોએ જણાવ્યું હતું કે ટ્રાવેલર ખૂબ સ્પીડમાં જતો હતો અને અચાનક સંતુલન ગુમાવી દીધું હતું જેને લીધે આ અકસ્માત થયો હતો.


