બોટમાં સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત કુલ ૩૩ લોકો સવાર હતા

હોડી નદીમાં ઊંધી વળી ગયા પછી કિનારે ભેગા થયેલા લોકો. હાડીમાંનાં ૧૦ બાળકો ગુમ હોવાના અહેવાલ છે
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બાગમતી નદીમાં ગઈ કાલે સવારે એક હોડી ઊંધી વળી જતાં એમાંના ૧૬ વ્યક્તિ ગુમ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. બોટમાં સ્કૂલ જતા વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત કુલ ૩૩ લોકો સવાર હતા. કુલ ૧૭ જણને બચાવવામાં આવ્યા છે. આ ઘટના ભાત ગામ પાસે મધુરપટ્ટી ઘાટ નજીક બની હતી. ડીસીપી શહરયાર અખ્તરે કહ્યું કે હોડીનો ઉપયોગ સ્થાનિક લોકોને નદી પાર કરાવવા માટે જ થતો હતો. અકસ્માત થયો ત્યારે હોડી ઓવરલોડ થઈ ગઈ હતી. સ્થાનિક રહેવાસી જયરામ કુમારે કહ્યું કે ‘આ ઘટના સવારે ૯.૪૫ વાગ્યે બની
હતી, જ્યારે કેટલીક મહિલાઓ અને સ્કૂલનાં બાળકો હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યાં હતાં. બાળકો ૮થી ૧૪ વર્ષનાં હતાં. એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુઝફ્ફરપુર આવેલા મુખ્ય પ્રધાન નીતીશ કુમારે જિલ્લા મૅજિસ્ટ્રેટને સર્ચ ઑપરેશન શરૂ કરવા અને શોકગ્રસ્ત પરિવારોને વળતર આપવાની સૂચના આપી છે.