ડિંડોરી જિલ્લાની બનેલી આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો : મરનારના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત
પ્રતીકાત્મક તસવીર
ડિંડોરી (પી.ટી.આઇ.) : મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે એક પિક-અપ વેહિકલ પલટી ખાઈને ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ ઘટનામાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૨૦ ઈજાગ્રસ્ત થયા હતા. બડઝર ઘાટ નજીક રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. ડ્રાઇવરે વળાંક લેતી વખતે કાબૂ ગુમાવતાં વાહન ૪૦-૫૦ ફુટ ઊંડી ખીણમાં જઈને પડ્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ૧૪ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં, જેમાં સાત પુરુષો, છ મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. ઘાયલોને શાહપુર કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાંથી છની હાલત ગંભીર છે અને બે વ્યક્તિને વધુ સારવાર માટે જબલપુર રિફર કરવામાં આવી હતી.
સબ-ડિવિઝનલ ઑફિસર ઑફ પોલીસ મુકેશ અવીન્દ્રએ જણાવ્યું હતું કે પીડિતો ડિંડોરીના શાહપુરા બ્લૉકના મસૂરઘુગરી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાંથી અમહાઈ દેવરી પરત ફરી રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘મધ્ય પ્રદેશના ડિંડોરીમાં થયેલો માર્ગ-અકસ્માત ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર પીડિતોને મદદરૂપ થવાના તમામ શક્ય પ્રયાસ કરી રહ્યું છે.’ એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવે મરનારના પરિવારને ૪ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ સીએમ કમલનાથે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

