BMC હજી પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે તૈયાર ન હોવાથી હાલ માર્શલ્સ માત્ર અવેરનેસનું કામ કરી રહ્યા છે
BMC હજી પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે તૈયાર નથી.
મુંબઈની સડકો પર ક્લીન-અપ માર્શલ્સની ડ્યુટી ફરી શરૂ થઈ એને ઓછામાં ઓછાં બે અઠવાડિયાં થઈ ગયાં છે છતાં તેમના પર ભાગ્યે જ લોકોનું ધ્યાન ગયું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ક્લીન-અપ માર્શલને અપૉઇન્ટ તો કરી લીધા છે, પણ હજી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તૈયાર ન હોવાથી તેમને માત્ર અવેરનેસ-ડ્યુટી સોંપવામાં આવી છે.
અગાઉ ક્લીન-અપ માર્શલ તરફથી થતી હેરાનગતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદોને કારણે તેમને ફરીથી તહેનાત કરવા સામે નાગરિકોએ વિરોધ દર્શાવ્યો હતો. માર્શલ્સ પર વિવિધ આરોપોને પગલે BMCએ ૨૦૨૨માં પૂરો થયેલો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કર્યો નહોતો. જોકે આ વખતે BMCએ વધુ સાવધાની સાથે માર્શલ્સને ઉતાર્યા છે, પણ સિસ્ટમમાં વિલંબને કારણે તેઓ તેમની ફરજ બજાવી શકતા નથી. અત્યારે તેઓ માત્ર અવેરનેસનું કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સુધરાઈના સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘વૉર્ડદીઠ સરેરાશ ૩૦ એમ કુલ ૭૮૦ માર્શલ પહેલાંથી જ તહેનાત છે. BMC હજી પણ ડિજિટલ પેમેન્ટ અને રિસીટ સિસ્ટમ સાથે તૈયાર નથી. બિલ-બુકના ઉપયોગને બદલે માર્શલ અપરાધીઓને ઑનલાઇન દંડ ભરવાનો વિકલ્પ આપશે. તેમની પાસે હૅન્ડહેલ્ડ મશીન હશે જેમાંથી નામ, મોબાઇલ નંબર, વૉર્ડ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) લોકેશન, ડેટ ઍન્ડ ટાઇમ અને દંડની રકમની પ્રિન્ટ કાઢવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે ક્લીન-અપ માર્શલ્સ પર રિસીટ આપ્યા વગર દંડ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેને લીધે પારદર્શિતા લાવવા હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. માર્શલ્સ નાગરિકો પાસેથી થૂંકવા અને કચરો ફેંકવાથી લઈને પાલતુ પ્રાણીઓનો કચરો ન ઉપાડવા બદલ ૧૦૦થી ૧૦૦૦ રૂપિયા વચ્ચે દંડ વસૂલ કરે છે.