લોકસભાની ચૂંટણીના ચોથા ફેઝનું વોટિંગ પૂર્ણ, અંદાજે ૬૨ ટકા મતદાન
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીના ચોથા ફેઝ માટે સોમવારે ૯ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ ૯૬ સીટ પર મતદાન પૂરું થયું હતું. પ્રારંભિક આંકડા અનુસાર ચોથા ફેઝમાં અંદાજે ૬૨ ટકા મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળની ૮ સીટ પર સૌથી વધુ ૭૫ ટકા વોટિંગ થયું હતું; જ્યારે મધ્ય પ્રદેશમાં ૬૮.૪૮, જમ્મુ-કાશ્મીરમાં ૩૬.૫૮ અને મહારાષ્ટ્રમાં ૫૨.૬૩ ટકા મતદાન થયું હતું. આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અમુક જગ્યાએ હિંસાની ઘટનાઓને બાદ કરતાં મતદાન મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ સાથે લોકસભાની કુલ ૫૪૩ સીટમાંથી ૩૭૯ સીટ પર વોટિંગ થયું છે.
સોમવારે જ્યાં વોટિંગ થયું હતું એમાં સૌથી વધુ પચીસ સીટ આંધ્ર પ્રદેશની હતી; જ્યારે મહારાષ્ટ્રની ૧૧, બિહારની પાંચ અને મધ્ય પ્રદેશની ૮ સહિત કુલ ૯૬ સીટ પર વોટિંગ થયું હતું.
આંધ્ર પ્રદેશમાં ૬૮.૧૨ ટકા, બિહારમાં ૫૫.૯૦ ટકા, ઝારખંડમાં ૬૩.૩૭ ટકા, ઓડિશામાં ૬૩.૮૫ ટકા, તેલંગણમાં ૬૧.૨૯ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૫૭.૭૬ ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કામાં કુલ ૧૭૧૭ ઉમેદવારો અને ૧૭.૭૦ કરોડ મતદારો હતા.
ADVERTISEMENT
આ રાજ્યોમાં ચૂંટણી પૂરી, હવે માત્ર મતગણતરી બાકી
મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, કેરલા, તામિલનાડુ, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઉત્તરાખંડ, ત્રિપુરા, સિક્કિમ, આસામ અને ગોવા, આંદામાન નિકોબાર, પૉન્ડિચેરી, લક્ષ્યદ્વીપ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ.

