વિયેટજેટ ફ્લાઈટના લગભગ 300 મુસાફરો એરક્રાફ્ટમાં ખામીને કારણે લગભગ 10 કલાક સુધી મુંબઈ એરપોર્ટ પર ફસાયા હતા

ફાઇલ તસવીર
મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર વિયેટજેટ એર (VietJet Air)ની ફ્લાઇટ ટેક્નિકલ ખામીને કારણે રદ કરવામાં આવી છે. 300 મુસાફરોને પહેલાં વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખામી જાણતા તેમને ઉતારવામાં આવ્યા હતા. વાસ્તવમાં, વિયેટજેટની આ વિયેતનામ જતી એરલાઈન ગુરુવારે 11 વાગ્યે હો ચી મિન્હ માટે રવાના થવાની હતી, પરંતુ હજુ સુધી ટેકઑફ થઈ નથી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
300 મુસાફરો 10 કલાક માટે ફસાયા
વિયેટજેટ ફ્લાઈટના લગભગ 300 મુસાફરો એરક્રાફ્ટમાં ખામીને કારણે લગભગ 10 કલાક સુધી મુંબઈ એરપોર્ટ પર ફસાયા હતા. એક મુસાફરે આરોપ લગાવ્યો કે લાંબો વિલંબ થવા છતાં એરલાઈન્સે મુસાફરો માટે હોટલમાં રહેવા કે ખાવાની કોઈ વ્યવસ્થા કરી નથી, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડીજીસીએના નિયમો હેઠળ, જો કોઈ ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી પડે છે, તો મુસાફરોને સંબંધિત એરલાઇન દ્વારા રહેવાની સાથે-સાથે ભોજન પણ આપવામાં આવે છે.
ટેક્નિકલ ખામીના કારણે યાત્રામાં વિલંબ થયો
એક મુસાફરે માહિતી આપી કે, “ફ્લાઈટ VJ-884 ગુરુવારે રાત્રે 11.30 વાગ્યે ટેકૉફ થવાની હતી. અમે રાત્રે 11 વાગ્યે ફ્લાઈટમાં ચડ્યા. જ્યારે ફ્લાઇટ એક કલાક સુધી ન ચાલી ત્યારે અમે તેનું કારણ પૂછ્યું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે ફ્લાઈટમાં કંઈક ગરબડ છે અને તેને ટેકૉફ કરવામાં થોડો સમય લાગશે.” મુસાફરોમાં અનેક વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. મુસાફરોના હોબાળાને કારણે એરપોર્ટ પર થોડો સમય અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: Mumbai Crime: બોરીવલીમાં ચોરીની શંકામાં એક યુવકની ઢોર માર મારી હત્યા, 5ની ધરપકડ
ફ્લાઇટ 20:30 વાગ્યે ઉડાન ભરશે
પેસેન્જરે કહ્યું કે રાત્રે 11.30થી સવારે 5 વાગ્યાની વચ્ચે, જ્યાં સુધી તેઓ અમને ઇમિગ્રેશન વિસ્તારમાં પાછા ન લાવ્યા, ત્યાં સુધી ફસાયેલા મુસાફરોને ભોજન કે પાણી આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે મુસાફરોને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને સવારે લગભગ 7 વાગે ઈમિગ્રેશન વિસ્તારમાં પાછા લાવવામાં આવ્યા હતા. વિયેટજેટે બાદમાં એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કેટલીક ટેક્નિકલ સમસ્યાઓના કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો, પરંતુ ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ 20:30 વાગ્યે ટેકઑફ કરશે. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું કે ફ્લાઇટના વિલંબને કારણે તમામ મુસાફરોને હોટલ, ખાણીપીણી અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.