આ ટ્રેન આઠ ડબ્બાની હશે અને ૧૨૦થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક દોડશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : વંદે ભારત ટ્રેનને મળી રહેલી સફળતા જોતાં હવે રેલવે મંત્રાલય ૨૦૦થી ૩૫૦ કિલોમીટરના અંતરે આવેલાં મેટ્રો સિટીઝની વચ્ચે વંદે મેટ્રો ટ્રેન ચાલુ કરવાનું વિચારી રહી છે. વંદે ભારત ટ્રેન ૧૬ ડબ્બાની હોય છે, જ્યારે વંદે મેટ્રો આઠ જ ડબ્બાની હશે અને એની ડિઝાઇનમાં પણ થોડો ફરક હશે, કારણ કે એ શૉર્ટ ડિસ્ટન્સ ટ્રેન હશે. મુંબઈ અને પુણે વચ્ચે આવી વંદે મેટ્રો દોડાવવાનું હાલ વિચારાઈ રહ્યું છે. એ ટ્રેન ૧૨૦થી ૧૫૦ કિલોમીટરની ઝડપે દોડશે. આ માટે રેલવે મંત્રાલયે ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી અને લખનઉના રિસર્ચ ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનને આના પર કામ કરવાનું શરૂ કરી દેવા કહ્યું છે અને વહેલી તકે બની શકે તો એપ્રિલ-મે સુધીમાં આવી ટ્રેન બનાવવા જણાવી દીધું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલી સ્વદેશી ડિઝાઇન અને ટેક્નૉલૉજીની વંદે ભારત ટ્રેનને અભૂતપૂર્વ સફળતા મળી રહી છે ત્યારે હવે એનું નાનું વર્ઝન એવી વંદે મેટ્રો બનાવવા પર હવે કામ ચાલી રહ્યું છે.


