દિવા સ્ટેશને બની રહેલા ઓવરબ્રિજ પર બે ગર્ડર લગાવાયા : અત્યારે અહીં આવેલા લેવલ ક્રૉસિંગને લીધે આખા દિવસમાં ૩૫ લોકલને રોકવી પડે છે : ઓવરબ્રિજના પાયાનું કામ ૪૦ ટકા પૂરું થઈ ચૂક્યું છે, જ્યારે અપ્રોચનો ભાગ ૨૫ ટકા પૂરો થયો છે

વર્કરોએ દિવા સ્ટેશન પાસે આવેલા લેવલ ક્રૉસિંગ પર બની રહેલા ઓવરબ્રિજ પર બે ગર્ડર બેસાડ્યા (તસવીર : સતેજ શિંદે)
દિવા રેલવે સ્ટેશન પરના મહત્ત્વના રોડ ઓવરબ્રિજ પર ગર્ડર મૂકવાનું કામ અડધું થઈ ગયું છે જે સૌથી વ્યસ્ત લેવલ ક્રૉસિંગ છે. મધ્ય રેલવેની લગભગ તમામ ટ્રેનને આ લેવલ ક્રૉસિંગ દિવસમાં ૩૫ વખત રોકે છે અને એને કારણે ટ્રેનો મોડી થાય છે. એક વખત બ્રિજ શરૂ થઈ ગયા બાદ આ પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે.
મધ્ય રેલવે અને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને રોડ ઓવરબ્રિજના નિર્માણ માટે ૫૦-૫૦ ટકાનું યોગદાન આપ્યું છે, જેની લંબાઈ ૭૨૩ મીટર અને પહોળાઈ ૧૪.૮૦ મીટર હશે.
સેન્ટ્રલ રેલવે ડિવિઝનલ ઑફિસરે કહ્યું કે રેલવેલાઇન ઉપર ગર્ડરના બે સેટ મૂકવામાં આવ્યા હતા; એક ૩૦ મીટરનો અને બીજો ૨૦ મીટરનો. પ્રથમ બ્લૉક ૫ અને ૬ ફાસ્ટ-અપ પર અને ડોમ્બિવલી અને થાણે વચ્ચેની અન્ય લાઇન પર ૧.૩૦ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધી હતો.
બીજો બ્લૉક દિવા અને થાણે વચ્ચે કૉમન લૂપ અને અન્ય લાઇન પર રવિવારે સવારે ૯થી બપોરે બે વાગ્યા સુધી હતો.
૨૦૨૨ના માર્ચમાં શરૂ થયેલા ૧૪.૨૪ કરોડ રૂપિયાના ઓવરબ્રિજના પાયાનું કામ ૪૦ ટકા પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે અપ્રોચનો ભાગ ૨૫ ટકા પૂર્ણ થયો છે.
દિવા સ્ટેશન પર તમામ આઠ લાઇનમાં ફેલાયેલા લેવલ ક્રૉસિંગને રોડ ઓવરબ્રિજથી બદલવાની યોજના છે. આજની તારીખે પણ એ સૌથી વ્યસ્ત રાહદારી લેવલ ક્રૉસિંગમાંનું એક છે જે દિવસમાં સરેરાશ ૩૫ વખત ખૂલે છે અને બંધ થાય છે.