મીરા રોડમાં ૩૫ લાખ રૂપિયાની ખંડણી માટે પહેલાં તેનું અપહરણ કર્યું, પણ પછી તેને ખબર પડી જતાં મારી નાખ્યો : પોલીસે કરી બે જણની ધરપકડ

પૈસા માટે પોતાના મિત્રનો જીવ લેનાર આરોપીઓ અને જીવ ગુમાવનાર ટીનેજર મયંક
મીરા રોડમાં ૩૫ લાખ રૂપિયાની ખંડણી માટે ૧૩ વર્ષના છોકરાનું અપહરણ અને હત્યા કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાશીમીરા પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે પૈસા માટે છોકરાની હત્યા કરાઈ હોવાની આ ઘટના સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ છે અને એનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મીરા રોડના શાંતિ પાર્ક વિસ્તારમાં ક્લસ્ટર સોસાયટીમાં હિના ઠાકુર નામની મહિલા તેના બે દીકરા ૧૫ વર્ષના અજય અને ૧૩ વર્ષના મયંક સાથે રહેતી હતી. આ મહિલા બોરીવલીના એક બારમાં ગાયિકા તરીકે કામ કરે છે. રવિવારે રાતે મહિલા દરરોજની જેમ કામ પર ગઈ હતી. તેનો દીકરો મયંક ૩૧ જુલાઈએ રાતે અંદાજે ૧૨ વાગ્યે ઘરેથી ગુમ થયો હતો. આ વિશે ધ્યાન જતાં મયંકને શોધવામાં આવ્યો હતો, પરંતુ તેની ભાળ ન મળતાં કાશીમીરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગંભીરતાથી બાળકની તપાસ હાથ ધરી હતી ત્યારે સોમવારે રાતે બાળકની મમ્મીને અપહરણ કરનાર વ્યક્તિએ ફોન કરીને ૩૫ લાખ રૂપિયાની ખંડણીની માગી હતી અને સાત દિવસમાં બાળક પાછું આવી જશે એવી વાત પણ કરી હતી. જોકે તપાસ દરમિયાન મંગળવારે બપોરે વાલિવ પોલીસ સ્ટેશનની હદમાં વાસાડ્યા પુલની નીચેથી મયંકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
ટેક્નિકલ માહિતીના આધારે આ કેસમાં કાશીમીરા પોલીસે મીરા રોડમાં રહેતા બે આરોપીઓ ૨૨ વર્ષના અફઝલ અન્સારી અને ૨૪ વર્ષના ઇમરાન શેખની ધરપકડ કરી છે. આરોપી મયંકનો મિત્ર હતો. મયંકની મમ્મી બારમાં ગાયિકા હોવાથી તેમને એવું લાગ્યું કે તેની પાસે પુષ્કળ પૈસા હશે. પૈસાની લાલચમાં તેમણે મયંકનું અપહરણ કરીને ખંડણી માગવાની યોજના બનાવી હતી. દરમિયાન, મયંકને શંકા જતાં આરોપીઓએ તેની હત્યા કરી હતી. આરોપીઓને કોર્ટમાં હાજર કરતાં ૬ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપવામાં આવ્યો હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરીને તપાસ કરશે.’