ચિંચપોકલીચા ચિંતામણિ અને પરેલચા રાજાના આગમન વખતે એક ડમ્પર ભરીને મળેલાં ચંપલને રીસાઇકલ કરવામાં આવશે
ભક્તોનાં છૂટી ગયેલાં કે ફેંકી દેવાયેલાં ચંપલ અને બૂટ
મુંબઈના લાલબાગ, પરેલ અને ચિંચપોકલી વિસ્તારમાં ગણેશોત્સવ દરમ્યાન મૂર્તિના આગમન સરઘસમાં ભક્તોનાં છૂટી ગયેલાં કે ફેંકી દેવાયેલાં ચંપલ અને બૂટ હવે કચરાના ઢગલામાં નહીં જાય. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના F-સાઉથ વૉર્ડ દ્વારા ત્યજી દેવાયેલાં આ ફુટવેઅરને એકઠાં કરીને એને રીસાઇકલ કરવાનો અને મહારાષ્ટ્રના આદિવાસી તેમ જ વંચિત બાળકો માટે નવાં બૂટ-ચંપલમાં રૂપાંતરિત કરવાનો અનોખો અને પ્રશંસનીય પર્યાવરણીય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
ગયા શનિવારે ‘ચિંચપોકલીચા ચિંતામણિ’ અને ‘પરેલચા રાજા’ના આગમનની શોભાયાત્રા દરમ્યાન લાખો ભક્તોની ભારે ભીડ ઊમટી પડી હતી. સરઘસ પૂરું થયા બાદ રસ્તાઓ પર શ્રદ્ધાળુઓનાં હજારો ચંપલ, સૅન્ડલ અને બૂટ છૂટી ગયાં હતાં.
ADVERTISEMENT
BMCના F-સાઉથ વૉર્ડના સફાઈ-કર્મચારીઓએ ૨૯ ઑગસ્ટે રાત્રે હાથ ધરેલા ખાસ સફાઈ-અભિયાન દરમ્યાન આશરે એક ડમ્પર ભરાઈને ચંપલ અને બૂટ એકઠાં કર્યાં હતાં. આ તમામ ફુટવેઅર ભિવંડીમાં ગ્રીન સોલ ફાઉન્ડેશનને સોંપવામાં આવશે, જ્યાં એને રીસાઇકલ કરીને નવાં ફુટવેઅર તૈયાર કરવામાં આવશે અને ગ્રામીણ મહારાષ્ટ્રના આદિવાસી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવશે. આ પહેલથી ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જતો કચરો ઘટશે અને જરૂરિયાતમંદ બાળકોને મદદ મળી રહેશે.
